જામીન અરજીઓનો ઝડપથી નિકાલ લાવવા હાઇકોર્ટોને સુપ્રીમની તાકીદ

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે દેશની તમામ કોર્ટો અને હાઇકોર્ટોને તાકીદ કરી હતી કે તેઓની કોર્ટોમાં કરાયેલી આગોતરા જામીન અરજીઓને તાત્કાલિક ધોરણે હાથ ઉપર લઇ સુનાવણી કરવી અને તેનો જેમ બને તેમ ઝડપથી નિકાલ કરી દેવો કેમ કે આ એવી અરજીઓ હોય છે નાગરિકોની સ્વતંત્રતા સાથે સીધો સંબંધ ધરાવે છે.

નકલી દસ્તાવેજો અને છેતરપિંડીની એક અરજીની સુનાવણી દરમ્યાન જસ્ટિસ સી.ટી રવિકુમાર અને જસ્ટિસ સંજય કુમારની બેંચે તાજેતરમાં કરેલાં એક આદેશમાં કહ્યું હતું કે આ કોર્ટ પુનરોચ્ચાર કરવા સાથે ઠરાવે છે કે આગોતરા જામીનની અરજી કે અરજીઓ નાગરિકોની સ્વતંત્રતા સાથે સીધો સંબંધ ધરાવતી હોવાથી તેને જેમ બને તેમ જલ્દીથી બોર્ડ ઉપર લાવી તેનો નિકાલ કરી દેવો જોઇએ. બેંચે એમ પણ કહ્યું હતું કે ૨૦૨૨ની સાલમાં પણ દેશની આ સર્વોચ્ચ અદાલતે સમાન અભિપ્રાય ભારપૂર્વક વ્યક્ત કર્યો હતો અને આગોતરા જમીન અરજીઓને મોડેથી બોર્ડ ઉપર લેવાની અને લાંબા સમય સુધી તેનો નિકાલ નહીં કરવાની હાઇકોર્ટોની રીત-રસમ અને પદ્ધતિ પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

જુદી જુદી કોર્ટમાં આ પ્રકારની વારંવાર બની રહેલી ઘટનાઓના પરિપ્રેક્ષ્યમાં આ કોર્ટના રજિસ્ટ્રાર જનરલે દેશની તમામ કોર્ટો અને હાઇકોર્ટોને આ આદેશની એક નકલ મોકલી આપવી જેથી કરીને વિવિધ કોર્ટોમાં ઘણાં સમયથી પેન્ડિંગ રહેલી આગોતરા જામીન અરજીઓ ઝડપથી હાથ ધરાઇ છે કે નહી અને તેનો સત્વરે નિકાલ થયો છે કે નહીં તે બાબત સુનિશ્ચિત કરી શકાય એમ બેંચે તેના ૧૧ ડિસેમ્બરે કરેલાં આદેશમાં કહ્યું હતું.