ભરૂચ,
કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં જંબુસરના કોંગી ધારાસભ્ય ઉપર હુમલો થયો છે. ભરૂચ જિલ્લા કોંગી પ્રમુખ અને ટિકિટ વાંચ્છુકોએ હુમલો કરાવ્યાના સંજય સોલંકીએ આક્ષેપ કરતા રાજકીય વાતાવરણ ગરમાયુ છે. જંબુસરથી આમોદ કાર અને બાઇક રેલી સ્વરૂપે યાત્રામાં આમોદ નજીક કોંગી એમએલએ ને બાઇક ઉપરથી ફેંકી દેવાયા હતા. યાત્રાના રૂટ વિશે બે જૂથ વચ્ચે તકરાર બાદ મામલો બિચક્યો હતો. પ્રદેશ કોંગ્રેસમાં જિલ્લા મોવડી મંડળ ઉપર કાર્યવાહી કરવા ધારાસભ્યએ રજુઆત કરવાની તૈયારી બતાવી છે તો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ આંતરિક બાબતની તકરારમાં તેમના ઉપરખોટા આક્ષેપ કરાયા હોવાનું જણાવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં જંબુસરથી શરૂ થયેલી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાના પ્રારંભે જ જૂથવાદના દ્રશ્યો જોવા મળ્યા હતા. આમોદ તરફ રેલી સ્વરૂપે આવી રહેલા જંબુસરના કોંગી સ્ન્છ સંજય સોલંકીને બાઇક ઉપરથી ફેંકી દઇ હુમલો કરાતા રાજકીય તકરાર સપાટી ઉપર આવી હતી. કોંગી ધરાસભ્યે પોતાના ઉપર હુમલો જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ઈશારે ટિકિટ વાંચ્છુકોએ કર્યો હોવાનો આક્ષેપ લગાવતા હવે ભરૂચ જિલ્લામાં ચૂંટણી પેહલા જ કોંગ્રેસમાં આંતરિક ખટરાગ સામે આવી રહ્યો છે.
જંબુસરથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા બાઇક અને કાર રેલી સ્વરૂપે આમોદ તરફ આગળ વધી હતી. ધારાસભ્ય સંજય સોલંકી બાઇક ઉપર સવાર હતા ત્યારે તેમના ઉપર અચાનક હુમલો કરવામાં આવતા બાઇક ઉપરથી ફેંકી દેવામાં આવ્યા હતા.
ટિકિટ વાંચ્છું આમોદ તાલુકાના કોંગ્રેસના આગેવાનોના ઈશારે હિચકારો હુમલો કરવામાં આવ્યો હોવાની ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી હતી. યાત્રામાં ધારાસભ્ય સંજય સોલંકી વિરુદ્ધ નારા પણ લગાવવામાં આવ્યાં હતાં.
ધારાસભ્ય એ તેમના ઉપર હુમલો જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાના ઈશારે થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેઓને યાત્રાના બદલાયેલા રૂટ અંગે પણ જાણકારી નહિ આપી હોવાનો રોષ વ્યક્ત કરી પોલીસ ફરિયાદ નોંધાવવા તૈયારી બતાવી હતી.
આ ઘટના પહેલા કોગ્રેસની દક્ષિણ ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ જંબુસરથી કરાયો હતો. જંબુસર સ્વામીનારાયણ મંદિર સભાખંડમા મતવિસ્તારના કાર્યકરોનુ સ્નેહમિલનનું પણ આયોજન કરાયું હતું. જેમાં કોગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા, સોશ્યલ મીડિયા રાષ્ટ્રીય અયક્ષ સુપ્રિયા શ્રીનેત , રાજસ્થાનના મંત્રી તથા ભરૂચ જીલ્લા પ્રભારી ગોવિંદ મેઘવાલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ આંતરિક બાબતની તકરારમાં તેમના ઉપરખોટા આક્ષેપ કરાયા હોવાનું જણાવ્યું હતું.મામલે જરૂર પડે ખુલાસો કરવાની પણ તૈયારી બતાવવામાં આવી હતી.