ગોધરા,પંચમહાલ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અને જીલ્લા શિક્ષણાધિકારી પંચમહાલની કચેરીના ગુણવંતભાઈ પટેલ તથા મામલતદાર જાંબુઘોડાના નાયબ મામલતદાર ચિરાગભાઈની હાજરીમાં જાંબુઘોડા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
સરકારી આર્ટસ અને સાયન્સ કોલેજ,નારૂકોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને મતદાન સબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આહવાન કરાયું હતું. આ સાથે સહ પરિવાર મતદાન કરે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.
સંકુલના વિદ્યાર્થીઓને આજના ડિજીટલ માધ્યમના ઉપયોગ દ્વારા ચૂંટણીકાર્ડ, મતદાર બુથ કેવી રીતે જાણી શકાય તે માટે માહિતીગાર કરવામાં આવ્યા હતા. ચૂંટણીમાં તેઓ અવશ્ય મતદાન કરે અને દસ મિનિટ દેશ માટે આપે તે અંગે સંસ્થાના આચાર્ય દ્વારા અપીલ કરવામાં આવી હતી.આ સાથે કોલેજ ખાતે સિગ્નેચર કેમ્પેઈન દ્વારા ” હું મતદાન કરીશ” પર તમામ યુવા મતદારોએ પોતાની સહી કરી ઉત્સાહ દર્શાવ્યો હતો.