જાંબુઘોડા પંચમહાલ ડિસ્ટ્રિકટ બેંકના સ્ટાફ દ્વારા 1.21 કરોડની ઉચાપતના 17 કર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ

જાંબુઘોડા,જાંબુઘોડાની પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેંકના મોરવા રેણાના સેવિંગ એકાઉન્ટમાં જાંબુઘોડા બેંકના કર્મચારી વિપુલભાઈ સોલંકીએ ફરજ દરમિયાન તા.8 થી 12 એપ્રિલ 2024ના રોજ જાતે જમાં સ્લિપો બનાવી હતી. અને રિસીવમાં પોતાની સહી કરી બ્રાન્ચનો સિકકો મારી જમાં બતાવ્યા હતા. ત્યારબાદ કેશ રોકડ જમા બતાવી હતી. તથા દિવવાડિયા દુધ સહકારી મંડળી તેમજ ધી કરા દુધ ઉત્પાદક સહકારી મંડળીના ખાતામાંથી પણ એકાઉન્ટ હોલ્ડરની જાણ બહાર પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સ્ફર કર્યા હતા. અને એકાઉન્ટ હોલ્ડરોના મોબાઈલ નંબર મેસેજ ન મળે તે માટે વિપુલભાઈએ તેઓનો મોબાઈલ નંબર બદલી નાંખ્યો હતો. તથા ધી જોટવાડ દુધ ઉત્પાદક સહકારી મંડળી, ગિરીરાજ ટ્રેડર્સ તથા અશ્ર્વિનકુમાર અશ્ર્વિનભાઈ બારીયાના એકાઉન્ટમાંથી કુલ રૂ.45 લાખ ખાતા ગ્રાહકની જાણ બહાર તેની પત્નિ સુનીતાબેનના ખાતામાં ટ્રાન્સ્ફર કર્યા હતા. આમ ગ્રાહકોના ખાતામાંથી મળી કુલ રૂ.1,21,35,000/-કોઈપણ વાઉચર કે ચેક વગર ખાતા ધારકોની જાણ બહાર પોતાના ખાતામાં ટ્રાન્સ્ફર કર્યા હતા. ગ્રાહકો સાથે વિશ્ર્વાસધાતની જાણ બેંકના ચીફ એક્ઝિકયુટીવને થતાં તા.13 એપ્રિલ 2024ના રોજ હાલોલ પંચ.ડિ.બેંકના ડે.જનરલ મેનેજરને જાંબુઘોડા બ્રાન્ચમાં તપાસ માટે ટેલિફોનીક સુચના આપી હતી. હાલોલ બેંકના જનરલ મેનેજરે બેંક સ્ટાફના પરાગ જોશી, મોૈલિક પટેલ, ભાર્ગવ પટેલ, તેમજ કમલદત્તને તપાસ કરવા માટે મોકલ્યા હતા. તેમને જાંબુઘોડા બેંકના સ્ટાફને સાથે રાખીને બ્રાન્ચનુ ઈન્સ્પેકશન કરતા હાથ ઉપર રોકડની ચકાસણી કરતા બંધ સિલક જોવા મળી ન હતી. જેથી જાંબુઘોડા પંચ.ડિ.બેંકના જનરલ મેનેજર દ્વારા જાંબુઘોડા પોલીસ મથકે રૂ.1,21,35,000/-ની ઉચાપતની ફરિયાદ વિપુલભાઈ સોલંકી, નિલેશ શાહ, દામિનીબેન પંડ્યા અને સુનીતાબેન સોલંકી સહિત 17 સામે ગુનો નોંધાતા પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.