જાંબુઘોડા અભ્યારણ્યમાં આવેલ રાજપરી ગામના ઉદેસિંહ બારીયા 40 વર્ષ પહેલા ગામ છોડીને કયાંક ચાલ્યા ગયા હતા. જે તે દિવસથી ધરે પરત ન આવતા પરિવારજનોએ તેમનુ મોત થયુ હોવાનુ માની બારમુ-તેરમું પણ કરી નાંખ્યુ હતું. 40 વર્ષ પછી ઉદેસિંહ બારીયા પોતાના ગામ રાજપરી ધરે પરત આવી પહોંચતા તેમને જોઈ સોૈ કોઈ આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા હતા. હિન્દી ફિલ્મી કથાને ટકકર મારે તેવી સત્ય ધટના જાંબુઘોડા અભ્યારણ્યમાં આવેલ રાજપરી ગામે બનવા પામી હતી.
ગામના નિશાળ ફળિયામાં રહેતા ઉદેસિંહ હરિભાઈ બારીયા 40 વર્ષ અગાઉ અગમ્ય કારણોસર ધર પરિવાર છોડીને જતા રહ્યા હતા. ઉદેસિંહની 40 વર્ષ પહેલા માતા-પિતા સહિત પરિવારના સોૈ કોઈએ ખુબ શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં પણ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. દિવસો, મહિનાઓ અને વર્ષો વિતી ગયા જેથી હવે ઉદેસિંહ હવે દુનિયામાં હયાત જ નહિ હોય તેમ માની પરિવારે તેનુ બારમું-તેરમું પણ કરી નાંખ્યુ હતુ. ઉદેસિંહ ધરેથી જયારે નીકળ્યો ત્યારપછી તેણે એક પણ વખત પરિવારજનોને કોલ કે ટપાલ લખીને સંપર્ક પણ કર્યો ન હતો. ત્યારે સોૈના આશ્ર્ચર્ય વચે 60 વર્ષની ઉંમરે ઉદેસિંહ ધરે આવ્યો છે. ફુલોની માળાઓ સાથે ગ્રામજનોએ તેમનુ અભિવાદન કર્યુ હતુ. 40 વર્ષ પુર્વે 20 વર્ષની ઉંમરે ધર છોડીને ગયેલ ઉદેસિંહનો ચહેરો પણ બદલાઈ ગયો હતો. ધરની દહેલીજ પર પહોંચતા ધરના નાના ભાઈ નવલસિંહે તેમને ઓળખી લેતા અત્યંત ખુશી અનુભવી હતી.