જાંબુઘોડાના નારૂકોટ ગામના પશુપાલકોને કેટલ શેડના લાભથી વંચિત રાખવાના પ્રયત્નોને લઈ તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યુ હતુ.
નારૂકોટ ગામના ગ્રામજનો જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જયાં આવેદન પત્રમાં જણાવ્યુ હતુ કે,નારૂકોટ ગામના ગ્રામજનો પશુપાલન કરી ગુજરાન ચલાવી રોજગારી મેળવતા હોય છે. જેમાં નારૂકોટ ગ્રુપ ગ્રામ પંચાયતમાં 150 જેટલા કેટલ શેડ અગાઉ મંજુર કરવા માટે ફોટા પડાવી અને ઠરાવ પણ આપેલા હતા. જેમાં કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ નારૂકોટના ગ્રામજનોને કેટલ શેડનો લાભ ન મળે તે માટે નિયામક ગોધરાને રજુઆત કરવા ગયા હોવાનુ તેમજ કોંગ્રેસી કાર્યકરોને ગામના આદિવાસી સમાજ સહિત બારીયા સમાજના રહિશોને લાભોથી વંચિત રાખવાના પ્રયત્નો કરતા હોવાનો આ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નારૂકોટ ગામના ગ્રામજનો પાસેથી જાણવા મળ્યુ છે કે,પશુપાલન કરતા કેટલાક ગરીબ લોકોને ખાસ કેટલ શેડની જરૂર હોવાથી અને સરકાર દ્વારા કેટલ શેડની સહાય મળે છે. છતાં હવનમાં હાડકા નાંખનારા લોકોને લીધે આજે દોઢ વર્ષ થવા આવ્યુ છતાં તેઓની રજુઆતના પગલે અમોને આજ દિન સુધી કેટલ શેડ ન મળતા આ બાબતે કેટલ શેડ જલ્દી મળે તે માટે તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે આવેદનપત્ર આપ્યુ છે તેમ ગ્રામજનોએ જણાવ્યુ હતુ.