જાંબુઘોડાના ખાંડીવાવ ગામે નીલગીરીની હરાજી જી.ઈ.એમ.પોર્ટલ પર રાખતા વેપારીઓ નારાજ

જાંબુઘોડા, જાંબુઘોડાના ખાંડીવાવ ખાતે બાગાયતી પાકો માટેના ઉત્કૃષ્તા કેન્દ્રની જમીનમાં આવેલ 229 જેટલા નીલગીરીના વૃક્ષોની હરાજી પેપરમાં કોઈપણ જાતની જાહેરાત આપ્યા વગર બારોબાર જીઈએમ પોર્ટલ પર રાખતા સ્થાનિક સહિતના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. કેટલાક સ્થાનિક વેપારીઓ જણાવતા હતા કે ધરના છોકરા ધંટી ચાળે ને ઉપાઘ્યાય અને આટો જેવી સ્થિતિ આહિંના વેપારીઓની થઈ છે.

જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ ગામે આવેલ બાગાયતી પાકો કાટેના ઉત્કૃષ્ટતા કેન્દ્રની લગભગ 22 હેકટર ઉપરાંત જમીન આવેલી છે. અને આ જમીનમાં નીલગીરી સહિત અનેક પ્રકારના વૃક્ષો આવેલા છે. જે પૈકી 229 જેટલી નીલગીરીની હરાજી બાગાયત ખાતા દ્વારા રાખવામાં આવેલી છે. આ હરાજીમાં કેટલાક વેપારીઓ એવા છે કે, જેઓની પાસે એન્ડ્રોઈડ ફોન પણ નથી અને તેઓને આ જીઈએમ પોર્ટલની કોઈપણ જાતની માહિતી પણ નથી. જેથી આ હરાજીમાં ફુલડીમાં ગોળ ભાગ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. આ અંગે નાયબ બાગાયત નિયામક નિલેલ પટેલે જણાવ્યુ હતુ કે,આ સરકારના પરીપત્ર મુજબ 2017માં જીઈએમ પોર્ટલ થકી કોઈપણ સરકારી કચેરીનુ ખરીદ-વેચાણ કરવાનુ રહેશે જેથી અમોએ આ નીલગીરીની હરાજી જીઈએમ પોર્ટલ ઉપર રાખેલ છે જે સરકારના નિયમ મુજબ છે. આ અંગે જાંબુઘોડાના ગ્રામિણ વિસ્તારમાં રહેતા લાકડાના વેપારી દિલીપભાઈ બારીયા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, આ હરાજીની કોઈપણ જાતની જાણ થઈ નથી. આ હરાજીની જાણ સ્થાનિક લોકોને પણ થાય તે હેતુથી પેપરમાં જાહેરાત આપવી જોઈએ અને સ્થાનિક લોકોને પણ આ હરાજીમાં ભાગ લેવા માટેની તક આપવી જોઈએ. આ હરાજીને ભલે ઓનલાઈન રાખો પરંતુ તેને પેપરમાં પ્રસિદ્ધ કરવી જોઈએ જેથી તેનો લાભ લેવા ઈચ્છતાં ગ્રામિણ વિસ્તારના લોકો મેળવી શકે.