જાંબુઘોડા, જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામ પાસે મહિન્દ્રા પીકઅપ ડાલાના ચાલકે બાઈક સવાર પિતા-પુત્રીને ટકકર મારતા બાઈક ચાલકનુ સ્થળ પર મોત નીપજયું હતુ. જયારે પુત્રીને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઘાઘલપુરા ગામના રહિશ રમેશભાઈ મકાભાઈ જેઓની દિકરી કે જે ભાવનગર ખાતે નર્સિંગનો કોર્સ કરતી હતી જે ધરે આવી રહી હતી તેને લેવા જાંબુઘોડા ખાતે આવ્યા હતા. પુત્રીને લઈ જાંબુઘોડાથી પોતાના ગામ ઘાઘલપુરા જવા માટે નીકળ્યા હતા દરમિયાન જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામ પાસે પહોંચ્યા હતા તે સમયે મહિન્દ્રા પીકઅપ ગાડીના ચાલક પોતાનુ વાહન ગફલતભરી રીતે હંકારી લાવતા પાછળથી બાઈક ચાલ રમેશભાઈ મકાભાઈની બાઈકની ટકકર મારતા બંને પિતા-પુત્રી રોડ પર ફંગોળાયા હતા. અકસ્માતે પગલે ઈજાગ્રસ્ત થયેલા રમેશભાઈનુ ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. જયારે પાછળ બેઠેલ પુત્રી સોનલબેનને ગંભીર ઈજાઓ થતાં બોડેલી રિફર કરવામાં આવી હતી. સમગ્ર બનાવની જાણ પરિવારજનોને થતાં સગાસંબંધિઓ જાંબુઘોડા ખાતે દોડી આવ્યા હતા. જાંબુઘોડા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી નાસી છુટેલા અજાણ્યા પીકઅપ ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.