બોડેલી, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બોડેલી તાલુકામાંથી પસાર થતાં કોતરમાં ધોડાપુર પાણી આવતા નવપુરા ગામે ધરોમાં પાણી ધુસી ગયા હતા. કોતરના આજુબાજુ ખેતરોમાં ભારે નુકસાન થવા પામ્યુ છે.
જાંબુઘોડા અભ્યારણ્યમાં ત્રણ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા કોતર પાણીથી છલકાઈ ગયા હતા. આ કોતર બોડેલી તાલુકાના પીઠા ગામ, સાલપુરા, અને કડીલા ગામથી પસાર થતાં કોતરની બંને બાજુ ખેતરોમાં વાવેતર કરેલ શાકભાજી, કેળા, કપાસના છોડ ધોવાઈ ગયા હતા. અચાનક પાણી આવતા બોડેલી તાલુકાના નવાપુરા ગામની સીમમાં ધરો અને તબેલામાં પાણી ભરાઈ જતા પશુધનને છોડી લોકો ધરની બહાર નીકળી ગયા હતા. પાણી ઓસરતા ગ્રામજનો પરત ધરોમાં જતા પશુુધનને સલામત જોતા હાશકારો અનુભવ્યો હતો. જાંબુઘોડા અભ્યારણ્યમાં ત્રણ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા બોડેલી તાલુકાના તરગોળ ગામે પસાર થતાં કોતરના કોઝવે પર પાણી ફરી વળતા ગામના લોકોની અવર જવર બંધ થઈ ગઈ હતી. તરગોળ ગામ સંપર્ક વિહોણુ બન્યુ હતુ. અંદાજે ચાર કલાક બાદ પાણી ઉતરતા ફરી અવર જવર ચાલુ થઈ હતી.