જાંબુઘોડા, જાંબુઘોડા તાલુકાના ડુમા ગામેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ તપાસમાં મહિલા વડોદરાના અટલાદરામાં રહી તેજગઢ નજીક બિલ ગામે હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતી હોવાની વિગતો સાંપડી હતી.
જાંબુઘોડા તાલુકાના ડુમા, ઉચેટ ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ તણાતો નજરે પડતા કેટલાક રાહદારીઓએ માનવતા દાખવી અજાણી મહિલાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અને 108 ને જાણ કરી સમગ્ર બનાવની જાણ કરી હતી. બનાવની જાણ થતાં 108 ડુમા ગામે આવેલ નર્મદા કેનાલ ઉપર પહોંચી મૃતદેહને જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયો હતો. બનાવની જાણ જાંબુઘોડા પોલીસને કરાતા જાંબુઘોડા પોલીસ મૃતદેહનો કબ્જો મેળવી મૃત હાલતમાં મળી આવેલ અંદાજિત 30 વર્ષની ઉંમર ધરાવતી મહિલા કોણ છે અને કયાંની છે તે દિશામાં જાંબુઘોડા પોલીસે તપાસ હાથ ધરી હોવાનુ જાણવા મળેલ છે.આ મૃત હાલતમાં મળી આવેલ મહિલાના ગળામાં મંગળસુત્ર પહેરેલુ જોવા મળી આવ્યુ હતુ. જાંબુઘોડા પોલીસે આગળની કાર્યવાહી હાથ તપાસ કરતા ગણતરીના કલાકોમાં અજાણી મહિલાનો ભેદ ઉકેલી મૃતક મહિલા પ્રિયંકા વરીયા હોવાનુ જાણવા મળ્યુ હતુ. તેનુ પિયર તેજગઢ છે. અને વડોદરાના અટલાદરા ખાતે 2019મા પરણી પતિ સાથે રહી અટલાદરા નજીક બિલ ગામે વીએમસીના દવાખાનામાં ફિમેલ હેલ્થ વર્કર તરીકેની ફરજ બજાવતી હોવાની વિગતો સાંપડી હતી.