આગ્રાની જામા મસ્જિદ, મથુરાની શાહી ઇદગાહ અને વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ આ યુપીની મસ્જિદો છે જેનું ભવિષ્ય સર્વેક્ષણથી સ્પષ્ટ થશે. આ લિસ્ટમાં શાહી ઈદગાહ અને જ્ઞાનવાપી પહેલાથી જ હતા, તેમાં લેટેસ્ટ નામ આગરાની જામા મસ્જિદ છે. અલાહાબાદ હાઈકોર્ટે આગ્રામાં જામા મસ્જિદના સર્વેક્ષણની માંગ કરતી અરજી પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને પોતાનો જવાબ દાખલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે કૃષ્ણ જન્મભૂમિ મંદિરના મુખ્ય દેવતા ઠાકુર કેશવ દેવની મૂતઓના અવશેષો ૧૬૭૦માં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના દળો દ્વારા હુમલો કર્યા બાદ મસ્જિદમાં દફનાવવામાં આવ્યા હતા. અરજદારે સર્વે માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની પણ માંગ કરી હતી.
જસ્ટિસ મયંક કુમાર જૈને એએસઆઈને જવાબ દાખલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો અને આગામી સુનાવણી ૧૨ ઓગસ્ટના રોજ નક્કી કરી. કોર્ટે હિંદુ વાદીઓને કેસમાં પક્ષકાર બનાવવા માટે મથુરાની શાહી મસ્જિદ ઈદગાહ મેનેજમેન્ટ કમિટિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોઈ વાંધો ઉઠાવવા માટે વકીલને સમય આપ્યો હતો. દાવામાં હિન્દુ વાદીએ દાવો કર્યો હતો કે ઔરંગઝેબે ૧૬૭૦માં કેશવ દેવનું મંદિર તોડી પાડ્યું હતું અને આગ્રામાં જામા મસ્જિદની નીચે મૂતને દફનાવી દીધી હતી.
આ પહેલા કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ગયા વર્ષે જુલાઈમાં વારાણસી જિલ્લા અદાલતે એએસઆઈને મસ્જિદ સંકુલનો સર્વે કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગયા વર્ષે ૪ ઓગસ્ટના રોજ કડક સુરક્ષા વચ્ચે એએસઆઇએ પોતાનો સર્વે શરૂ કર્યો હતો. વાસ્તવમાં અહીં જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્ર્વનાથ મંદિરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હિંદુઓ દાવો કરે છે કે કાશી વિશ્ર્વનાથના મૂળ મંદિરને ૧૬૬૯માં ઔરંગઝેબ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને અહીં મસ્જિદ બનાવવામાં આવી હતી. તે જ સમયે, મુસ્લિમ સમુદાય તેને મસ્જિદ કહે છે.
સર્વે રિપોર્ટમાં મંદિરના અસ્તિત્વના ૩૨ થી વધુ પુરાવા મળ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મસ્જિદ પહેલા અહીં એક મોટું મંદિર હતું. અગાઉના બાંધકામોનો નાશ કરવામાં આવ્યો હતો અને મસ્જિદ બનાવવા માટે ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખોદકામમાં અનેક ખંડિત શિલ્પો પણ મળી આવ્યા છે.
મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદનો કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. હિન્દુ પક્ષ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે. મસ્જિદ એક હિન્દુ મંદિર હોવાના સ્પષ્ટ સંકેતો છે, જેમાં કમળના આકારનો સ્તંભ અને ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલા હિંદુ દેવ શેષનાગની છબીનો સમાવેશ થાય છે.
અગાઉ અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદને લઈને વિવાદ થયો હતો. ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટે હિંદુઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હવે અહીં રામ મંદિરનું નિર્માણ થયું છે. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો મુખ્ય આધાર એએસઆઇ સર્વે હતો. વિવાદિત સ્થળનો સર્વે ૨૦૦૩માં કરવામાં આવ્યો હતો. સર્વેમાં સામે આવ્યું છે કે બાબરી મસ્જિદ ખાલી પડેલી જમીન પર બનાવવામાં આવી નથી.એએસઆઇએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ખોદકામ દરમિયાન મળેલું સ્ટ્રક્ચર ઈસ્લામિક સ્ટ્રક્ચર નથી.