નવીદિલ્હી, જળવાયું પરિવર્તનની વિપરિત અસર વૈશ્વિક સ્તરે જ નહીં પરંતુ સ્થાનિક સ્તરે પણ દેખાવા લાગી છે, જેના પગલે વિશ્વમાં આત્યંતિક આત્યંતિક હવામાન ઘટનાઓ પણ સતત વધી રહી છે. ભારતની વાત કરવામાં આવે તો ગત વર્ષ એટલે કે ૨૦૨૩માં દેશના તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછી એક દિવસમાં આવી ઘટના બની રહી છે. અહીં તમારે એ જાણવું જરુરી છે કે આત્યંતિક હવામાન ઘટનાઓમાં ભારે વરસાદ, પૂર આવવું, વાદળ ફાટવું, વીજળી પડવી, લૂ તેમજ તેમજ ખૂબ જ ઠંડીનો સમાવેશ થાય છે.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ દ્વારા સ્ટેટ ઓફ ઈન્ડિયાના એન્વાયર્નમેન્ટના જાહેર કરાયેલ રિપોર્ટ ૨૦૨૪ના અનુસાર, વર્ષ ૨૦૨૨માં ૩૬૫માંથી ૩૧૬ દિવસોમાં આત્યંતિક હવામાનની ઘટનાઓ બની હતી, જ્યારે ૨૦૨૩માં તેમની સંખ્યા વધીને ૩૧૮ પર પહોંચી ગઈ હતી. અલવર (નીમલી) સ્થિત અનિલ અગ્રવાલ પર્યાવરણ પ્રશિક્ષણ સંસ્થામાં સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી જનરલ નીતિન દેસાઈ , વરિષ્ઠ પત્રકાર ટીએન નિનાન અને સીએસઈના ડાયરેક્ટર જનરલ સુનીતા નારાયણ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આત્યંતિક હવામાનની ઘટનાઓને કારણે ૩,૨૮૭ લોકોના, ૧.૨૪ લાખ પ્રાણીઓના મોત થયા હતા, જ્યારે ૮૬,૪૩૨ ઘરોને અને ૨.૨૧ મિલિયન હેક્ટર પાક વિસ્તારને ખૂબ જ નુક્સાન થયું હતું. આવા દિવસોની સૌથી વધુ સંખ્યા હિમાચલ પ્રદેશમાં ૧૪૯ નોંધાઈ હતી. ત્યારબાદ મધ્યપ્રદેશમાં ૧૪૧ દિવસ અને કેરળ અને ઉત્તર પ્રદેશમાં ૧૧૯ દિવસ નોંધાયા છે. આ ઉપરાંત અન્ય આઠ રાજ્યોએ ૧૦૦ કરતા પણ વધુ દિવસો સુધી આત્યંતિક હવામાનની ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સતત ૧૨૩ દિવસ સુધી આવી ઘટનાઓ નોંધાઈ હતી.
આ સિવાય જો મૃત્યુની બાબત પર નજર કરવામાં આવે તો બિહાર સૌથી વધુ પ્રભાવિત થયું છે. અહીં આવી ઘટનાઓમાં ૬૪૨ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે હરિયાણામાં સૌથી વધુ અસરગ્રસ્ત પાક વિસ્તાર થયો હતો અને ગુજરાતમાં સૌથી વધુ ઘરોને નુક્સાન પહોંચ્યું છે. આ ઉપરાંત પંજાબમાં સૌથી વધુ પ્રાણીઓના મૃત્યુ થયા છે. અહીં એ પણ નોંધનીય છે કે ભારતમાં ૨૦૨૩માં ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૧૨૨ વર્ષમાં સૌથી ગરમ મહિનાઓ રહ્યા હતા.