જળ સંકટ ટૂંક સમયમાં સમાપ્ત થશે: દિલ્હી એલજીની હરિયાણાના મુખ્યમંત્રી સાથે વાત, યોગ્ય પાણી મળશે; તમામ શક્ય મદદ માટે તૈયાર

  • નવી દિલ્હીની તમામ ઝૂંપડપટ્ટીઓ અને પશ્ચિમ દિલ્હીની વસાહતોમાં પીવાના પાણીની કટોકટી છે.

દિલ્હીમાં પીવાના પાણીની કટોકટી પર શબ્દોના યુદ્ધ વચ્ચે, એલજી વીકે સક્સેનાએ ગઈકાલે હરિયાણાના સીએમ નાયબ સૈની સાથે વાત કરી હતી. એક્સ પર માહિતી આપતા વીકે સક્સેનાએ કહ્યું કે તેમણે ગયા સોમવારે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની સાથે વાત કરી હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે દિલ્હીને તેના ફાળવેલ હિસ્સા મુજબ પાણી આપવામાં આવે છે. ચાલુ ગરમીના મોજાને કારણે રાજ્યની પોતાની મર્યાદાઓ છતાં શક્ય તમામ મદદની ખાતરી આપી.

રાજનિવાસ ખાતે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ આંકડાઓ સામે આવ્યા હતા. લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી સરકારને સિસ્ટમને ઠીક કરવાની સલાહ આપી છે. બીજી તરફ દિલ્હી સરકારે રજનિવાસના આંકડાઓને ભ્રામક ગણાવ્યા છે. મંત્રી સૌરભ ભારદ્વાજનું કહેવું છે કે લેફ્ટનન્ટ ગવર્નરે મીટિંગનો વીડિયો સાર્વજનિક કરવો જોઈએ. આ વાસ્તવિક્તા જાહેર કરશે.

અગાઉ, દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજ સાથે દિલ્હી જલ બોર્ડના મુખ્ય સચિવ અને સીઈઓ રાજ નિવાસ ખાતે પાણી પુરવઠાના મુદ્દે બોલાવવામાં આવેલી બેઠકમાં હાજર હતા. એવું કહેવામાં આવ્યું હતું કે દિલ્હીના નવમાંથી સાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં હરિયાણાના પાણી માટે મૂનક કેનાલ મુખ્ય સ્ત્રોત છે. કેનાલની જાળવણીના અભાવે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અધિકારીઓ દ્વારા નિરીક્ષણ દરમિયાન, કેનાલમાંથી પાણીનો અનધિકૃત ઉપાડ જોવા મળ્યો હતો. મીટિંગમાં તેની તસવીરો પણ શેર કરવામાં આવી હતી. આમાં, દિલ્હીમાં મુનાક કેનાલ પર ગેરકાયદેસર રીતે પાણી ઉપાડતા ટેન્કરોની ક્તારો જોવા મળે છે.

રવિવારે દિલ્હી અને હરિયાણા સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે અપર યમુના રિવર બોર્ડના અધિકારીઓની ટીમે મુનાક કેનાલનું નિરીક્ષણ કર્યું હતું. હરિયાણા તરફથી કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું હોવાનું જોવા મળ્યું હતું. હરિયાણાએ મૂનક કેનાલમાં ૨,૨૮૯ ક્યુસેક પાણી છોડ્યું. જ્યારે કાકોરીમાંથી ૧૦૫૦ ક્યુસેકના નિયત ક્વોટા સામે ૧૧૬૧.૦૮૪ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

કાકોરી એ જગ્યા છે જ્યાંથી પાણી સીધું દિલ્હી પહોંચે છે. પરંતુ દિલ્હીના બવાનામાં મૂનક કેનાલમાં માત્ર ૯૬૦.૭૮ ક્યુસેક પાણી પહોંચ્યું હતું. લગભગ ૨૦૦ ક્યુસેક પાણી રસ્તામાં વહી ગયું હતું. આ કુલ પાણીના ૧૮ ટકા છે. નિયમો અનુસાર આ આંકડો પાંચ ટકાથી ઓછો હોવો જોઈએ. અધિકારીઓએ જણાવ્યું કે અગાઉ ૫ જૂને યોજાયેલી બેઠકમાં યુવાયઆરબીએ દિલ્હી સરકારને કહ્યું હતું કે મુનાક કેનાલમાંથી લગભગ ૨૫ ટકા પાણી વેડફાઈ રહ્યું છે. સોમવારે પણ રાજધાનીના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની કટોકટી ચાલુ રહી હતી. તે જ સમયે, પૂરતી સંખ્યામાં ટેક્ધરો ઝૂંપડપટ્ટીઓ અને અનધિકૃત વસાહતો સુધી પહોંચ્યા ન હતા. પૂર્વ દિલ્હીની ગીતા કોલોની અને અન્ય આસપાસના વિસ્તારો, દક્ષિણ દિલ્હીમાં ઓખલા ફેઝ-૨ અને સંગમ વિહાર, નવી દિલ્હીની તમામ ઝૂંપડપટ્ટીઓ અને પશ્ચિમ દિલ્હીમાં ગોપાલ નગર, વિકાસ નગર, નિહાલ વિહાર જેવી વસાહતોમાં પીવાના પાણીની કટોકટી છે.