બિહાર-બંગાળ બોર્ડર પાસે સોમવારે એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી હતી. સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસ (૧૩૧૭૪)ને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાંજનજંગા એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત બાદ અફરાતફરી મચી ગઈ હતી. રેલવેની ટીમે તપાસ શરૂ કરી છે. આ અકસ્માત બાદ જૂના ઘા ફરી એકવાર લીલા થઈ ગયા છે. ગયા વર્ષે ૨ જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો, જેની યાદો તાજી થઈ ગઈ છે.
આ પહેલા ક્યારે આવા અકસ્માતો થયા તે જોઇએ તો
૦૬ જૂન ૧૯૮૧: આ તે દિવસ હતો જ્યારે બિહારમાં સૌથી ભયંકર ટ્રેન અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. પુલ ક્રોસ કરતી વખતે ટ્રેન બાગમતી નદીમાં પડી હતી. આ અકસ્માતમાં ૭૫૦ લોકોના મોત થયા હતા.
૨૦ ઓગસ્ટ ૧૯૯૫: પુરુષોત્તમ એક્સપ્રેસ ફિરોઝાબાદ પાસે પાર્ક કરેલી કાલિંદી એક્સપ્રેસ સાથે અથડાઈ. આ અકસ્માતમાં મૃત્યુઆંક ૩૦૫ આસપાસ હતો.
૨૬ નવેમ્બર ૧૯૯૮: પંજાબના ખન્ના ખાતે જમ્મુ તાવી સિયાલદાહ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને ફ્રન્ટિયર ગોલ્ડન ટેમ્પલ મેઈલના ત્રણ કોચ સાથે અથડાઈ. આ અકસ્માતમાં ૨૧૨ લોકોના મોત થયા હતા.
૦૨ ઓગસ્ટ ૧૯૯૯: બ્રહ્મપુત્રા મેલ ઉત્તર સરહદ રેલ્વેના કટિહાર ડિવિઝનના ગેસલ સ્ટેશન પર પાર્ક કરેલી અવધ આસામ એક્સપ્રેસ સાથે અથડાઈ, જેમાં ૨૮૫ લોકો માર્યા ગયા અને ૩૦૦ જેટલા ઘાયલ થયા.
૨૦ નવેમ્બર ૨૦૧૬: પુખરાયનમાં ઇન્દોર રાજેન્દ્ર નગર એક્સપ્રેસના ૧૪ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં એક જીવલેણ અકસ્માત થયો, જેમાં ૧૫૨ લોકોના મોત થયા અને ૨૬૦ લોકો ઘાયલ થયા.
૦૯ નવેમ્બર ૨૦૦૨: હાવડા-રાજધાની એક્સપ્રેસ રફીગંજમાં ધવે નદી પરના પુલ પર પલટી ગઈ, જેમાં ૧૪૦ લોકોના મોત થયા.
૨૩ ડિસેમ્બર ૧૯૬૪: રામેશ્ર્વરમ ખાતે ચક્રવાતમાં પમ્બન ધનુષકોડી પેસેન્જર ટ્રેન ધોવાઈ જતાં ૧૨૬ મુસાફરો માર્યા ગયા હતા.
૨૮ મે, ૨૦૧૦: મુંબઈ જતી ટ્રેન ઝારગ્રામ નજીક પાટા પરથી ઉતરી ગઈ અને વિરુદ્ધ દિશામાંથી આવતી માલગાડી સાથે અથડાઈ. આ અકસ્માતમાં ૧૪૮ મુસાફરોના મોત થયા હતા.
૦૨ જૂન ૨૦૨૩: બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન વચ્ચે ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૩૩ લોકોના મોત થયા હતા. જ્યારે ૯૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત આઝાદી પછીના સૌથી ભયંકર અકસ્માતોમાંનો એક હોવાનું કહેવાય છે.