જજ મનસ્વી રીતે બ્રાઝિલના લોકો અને બંધારણ સાથે દગો કરી રહ્યા છે,મસ્ક

વોશિગ્ટન, દિગ્ગજ ઉદ્યોગપતિ એલોન મસ્ક બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના જજ પર નારાજ છે અને જજના રાજીનામાની માંગ કરી છે. વાસ્તવમાં, બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના જજ એલેક્ઝાન્ડ્રે ડી મોરેસે બ્રાઝિલમાં ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કરી દીધા છે અને ઘણા વપરાશર્ક્તાઓને જેલમાં નાખવાનો પણ આરોપ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્રાઝિલ સરકાર વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવી રહ્યા હતા. જે એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે તેમાં ઘણા એકાઉન્ટ બ્રાઝિલના સોશિયલ મીડિયા પ્રભાવકોના છે.

એલોન મસ્કે સોશિયલ મીડિયા પર કથિત સેન્સરશિપને લઈને જજ મોરેસ પર આકરા પ્રહારો કર્યા. એક પોસ્ટમાં તેણે લખ્યું કે ’આ જજ મનસ્વી રીતે બ્રાઝિલના લોકો અને બંધારણ સાથે દગો કરી રહ્યા છે. તેમણે રાજીનામું આપવું જોઈએ અથવા તેમના પર મહાભિયોગ ચલાવવો જોઈએ અને તેમને પદ પરથી હટાવવા જોઈએ. મસ્કે અન્ય પોસ્ટમાં લખ્યું છે કે ’આ ન્યાયાધીશે અમારા પર મોટો દંડ લગાવ્યો છે અને અમારા ઘણા કર્મચારીઓની ધરપકડ કરવાની ધમકી આપી છે અને બ્રાઝિલમાં ઠ બંધ કરવાની ધમકી આપી છે. આના કારણે, અમે બ્રાઝિલમાં બધી આવક ગુમાવી શકીએ છીએ અને અમારે બ્રાઝિલમાં અમારી ઑફિસ બંધ કરવી પડી શકે છે, પરંતુ અમારા માટે અમારા સિદ્ધાંતો નફા કરતાં વધુ મહત્વપૂર્ણ છે.

બ્રાઝિલમાં એલેક્ઝાન્ડ્રે ડી મોરેસ એક લોકપ્રિય નામ છે. કેટલાક લોકો તેમને વિવાદાસ્પદ માને છે જ્યારે અન્ય લોકો તેમને લોકશાહીના રક્ષક કહે છે. મોરેસ બ્રાઝિલના સુપિરિયર ઈલેક્ટોરલ ટ્રિબ્યુનલના વડા પણ છે. મોરેસના ટીકાકારો તેમના પર બ્રાઝિલમાં વાણી સ્વાતંત્ર્યને સમાપ્ત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકે છે. તાજેતરના વર્ષોમાં, મોરેસે સોશિયલ મીડિયા પર કેટલાક અગ્રણી એકાઉન્ટ્સને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આરોપ છે કે જે એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે તેમાંના ઘણા બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સમર્થક હોવાનું કહેવાય છે. વર્ષ ૨૦૨૩ માં, જેયર બોલ્સોનારોને એલેક્ઝાન્ડ્રે ડી મોરેસની આગેવાની હેઠળની ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. ૨૦૨૨ ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બોલ્સોનારોની હાર પછી, તેમના સમર્થકો બ્રાઝિલની સંસદમાં પ્રવેશ્યા.