- પાકિસ્તાન છોડી અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આશ્રય લીધો:અફઘાનિસ્તાનના પૂર્વ ઈન્ટેલિજન્સ ચીફ.
- ભારતે તાલિબાન સાથે વાતચીત ચાલુ રાખવી જોઈએ, પરંતુ તેની સુરક્ષાને લઈને પણ બેદરકારી ન રાખવી જોઈએ.
નવીદિલ્હી,
પાકિસ્તાનની રહેમનજર હેઠળ રહેલા આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સતત ભારત વિરુદ્ધ ઝેર ફેલાવી રહ્યું છે. ત્યારે આવા ખરાબ સમય દરમિયાન અફઘાનિસ્તાનમાંથી ભારત માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર દ્વારા આ આતંકવાદી સંગઠનોને સમર્થન આપવાના સમાચાર સામે આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો. આ સમાચાર અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાન સરકાર અફઘાનિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સહિત અન્ય આતંકવાદી સંગઠનોને આશ્રય આપી રહી છે. આ દાવો અફઘાનિસ્તાનના પૂર્વ ગુપ્તચર વડા રહેમતુલ્લા નબિલે કર્યો છે. રહેમતુલ્લા નબિલે કહ્યું છે કે પાકિસ્તાનના ખતરનાક આતંકી સંગઠનો હવે અફઘાનિસ્તાનને પોતાનું આશ્રયસ્થાન બનાવી રહ્યા છે.
અફઘાનિસ્તાનના પૂર્વ ઈન્ટેલિજન્સ ચીફ રહેમતુલ્લા નબિલે દાવો કર્યો છે કે તાલિબાન સરકાર લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી જૂથોને અફઘાનિસ્તાનમાં તેમના અડ્ડા સ્થાપિત કરવાની મંજૂરી આપી રહી છે. અફઘાનિસ્તાનના ગુપ્તચર વિભાગના પૂર્વ નિર્દેશક રહમતુલ્લા નબિલે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી. આ દરમિયાન તેણે કહ્યું છે કે ભારતે તાલિબાન સાથે વાતચીત ચાલુ રાખવી જોઈએ, પરંતુ તેની સુરક્ષાને લઈને પણ બેદરકારી ન રાખવી જોઈએ.
નબિલે ચેતવણી આપી કે લશ્કર અને જૈશ-એ- જેવા જૂથો, જેઓ તાલિબાનની મદદથી ભારતને નિશાન બનાવે છે, તેમણે અફઘાનિસ્તાનને તેમનો નવો અડ્ડો બનાવ્યો છે. અને હવે તેઓ વધુ સારી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને આતંકી સંગઠનો હાલમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે આધુનિક ટેક્નોલોજી અપનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ આતંકી સંગઠનો મોટા પાયે ખતરો બની શકે છે. અત્યાર સુધી આ આતંકી સંગઠનોને પાકિસ્તાનની ધરતી પર આશ્રય મળ્યો છે. ભારત સહિત અન્ય દેશોએ પણ આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
અગાઉ, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે કહ્યું હતું કે ભારત યુદ્ધગ્રસ્ત દેશના કેટલાક પ્રાંતોમાં ઓછામાં ઓછા ૨૦ અટકેલા પ્રોજેક્ટ્સ પર કામ ફરી શરૂ કરશે. જૂનમાં, ભારતે અફઘાનિસ્તાનની રાજધાનીમાં તેના દૂતાવાસમાં ‘ટેકનિકલ ટીમ’ તૈનાત કરીને કાબુલમાં તેની રાજદ્વારી હાજરી પુન:સ્થાપિત કરી. ઓગસ્ટ ૨૦૨૧ માં તાલિબાનોએ સત્તા પર કબજો મેળવ્યા પછી, ભારતે તેમના અધિકારીઓને તેમની સુરક્ષા અંગેની ચિંતાઓને કારણે દૂતાવાસમાંથી પાછા બોલાવ્યા.