પાલિતાણા : અહિંસાના પૂજારી જૈન સમાજની પાવનકારી તીર્થનગરી પાલિતાણામાં ઠેક ઠેકાણે બેરોકટોક મચ્છીનું વેચાણ થતું હોય, યાત્રાળુઓ અને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. શેત્રુંજી ડેમમાંથી ગેરકાયદે માછીમારીની પ્રવૃત્તિ કરી મચ્છીનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું હોવાથી તેના ઉપર અંકુશ લાવવામાં તંત્ર વામળું પુરવાર થઈ રહ્યું છે. જેથી અહિંસાપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.
તીર્થનગરી પાલિતાણાના આંગણે આવેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજય ડેમનો ઘેરાવો ખૂબ જ મોટો છે. તેમાં રવ, રાતળ, બાઉચ, પાઢિયો, ઢોળ જેવી માછલીઓને બિયારણથી ઉત્પન્ન કરવામાં આવે છે. આ ડેમમાંથી મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી માછીમારી કરવાની છુટ આપવામાં આવી છે. જેના કારણે મંજૂરીવાળી માછીમારી થકી દરરોજ ૫૦૦ કિલો જેટલી માછલી પકડી અન્ય રાજ્યોમાં તેની સપ્લાય કરવામાં આવે છે. શેત્રુંજી ડેમની માછલીઓની સ્થાનિક અને અન્ય રાજ્યોમાં માંગણી રહેતી હોય, ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદે જાળ નાંખી માછીમારી કરવામાં આવી રહી હોવાની રાવ ઉઠી છે. શેત્રુંજી અને ખારો ડેમ અનુ ડુંગરપર ગામ નજીકના ડેમ વિસ્તારમાંથી માછલી પકડી પાલિતાણા શહેરના ભીલવાડા (પંચતીર્થ રોડ), ગારિયાધાર રોડ, ખાટકીવાડ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે ધમધમતી મચ્છી માર્કેટમાં તેનું વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે, પાલિતાણામાં જીવહિંસા બંધ કરવા માટે જૈન સાધુ-ભગવંતોએ અનેક વખત ઉપવાસો કર્યો હતો. સરકારે પણ જૈન તીર્થનગરી પાલિતાણાને વિશ્વનું શાકાહારી શહેર જાહેર કરવાની વાતો કરી હતી. પરંતુ વર્ષો વિત્યા છતાં તીર્થનગરીને કલંકીત કરતી જીવહિંસાની પ્રવૃત્તિઓ બંધ થવાના બદલે ફૂલીફાલી છે. જેના કારણે જીવદયાપ્રેમી, અહિંસાપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને પાલિતાણામાં ગેરકાયદે ધમધમતી મચ્છી માર્કેટ તેમજ મચ્છીના વેચાણ તથા બિયારણની થતાં માછલાના ઉછેરની પ્રવૃત્તિને રોકવા માંગણી કરી છે. વધુમાં ગેરકાયદે માછીમારી અને વેચાણ થતું હોવાનું જગજાહેર હોવા છતાં પોલીસ, નગરપાલિકા કે જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો રોષ ઠાલવવામાં આવ્યો છે.
શેત્રુંજય, ખારો અને અન્ય ડેમોમાંથી પકડવામાં આવતી માછલુંનું વજન દોઢથી બે કિલોનું હોય છે. જ્યારે પાઢિયો તરીકે ઓળખાતી માછલીનું વજન ૪૦ કિલો આસપાસ હોય છે. મહિનામાં વધુ વજનવાળી ૫૦ જેટલી માછલી પકડાય છે. જેનો પ્રતિ કિલો ૩૦૦થી ૩૫૦ રૂપિયા ભાવ હોય છે. જ્યારે ઓછા વજનવાળી નાની માછલીનો ભાવ એક કિલોએ રૂા.૧૫૦થી ૨૪૦ હોવાનું જાણવા મળ્યું છે.