હરદા, હરદામાં પૂર્વ સરપંચ હીરાલાલ પટેલની જગ્યા પર લૂંટના ૩ આરોપી ઝડપાયા. આ તમામ કેદીઓ છે જેઓ ખંડવા જેલ તોડીને ભાગી ગયા હતા. બદમાશો તેના ઘરમાં ઘૂસી ગયા અને ૫૦ લાખની કિંમતનું એક કિલો સોનું લઈ ગયા. આરોપીઓ પૈકી એક સગીર છે. તેમની પાસેથી ૩૪ લાખની કિંમતનું ૫૮૧ ગ્રામ સોનું મળી આવ્યું છે. આરોપીઓ એટલા હોશિયાર છે કે તેઓ ૬૦ સિમનો ઉપયોગ કરતા હતા.
૬ જૂનના રોજ હરદા જિલ્લાના ખમાલય ગામમાં ભાજપના નેતા હીરાલાલ પટેલના ઘરે ૫૦ લાખની લૂંટ થઈ હતી. હથિયારો સાથે માસ્ક પહેરેલા બદમાશો ઘૂસ્યા હતા. તેમના પુત્ર આદિત્ય પટેલ અને પુત્રવધૂ દિવ્યા નેતાના ઘરે હતા. બદમાશોએ પહેલા રેકી કરી અને પછી દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો. જે બાદ દંપતિના હાથ-પગ ચાદર વડે બાંધીને સોનું લઈને ફરાર થઈ ગયા હતા. એસપી સંજીવ કુમાર કંચને જણાવ્યું કે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને જેલ મોકલી દેવામાં આવ્યા છે. હાલ ૫ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
આ ઘટના બાદ પોલીસ પૂછપરછમાં પીડિતાઓએ જણાવ્યું હતું કે એક આરોપીના ખભા પર પીળો ગમછા (રૂમાલ) હતો. આ જ આધારે પોલીસે લોકોની પૂછપરછ કરી અને સીસીટીવી ફૂટેજ શોધી કાઢ્યા. સીસીટીવી ફૂટેજમાં, પીળી પાઘડી વાળો એક વ્યક્તિ ગામના એક સગીર રહેવાસી સાથે હીરાલાલ પટેલના ઘરની સામે આવતો જોવા મળ્યો હતો. આ વીડિયોના આધારે પોલીસ ગામમાં રાકેશ ચોટીના ઘરે પહોંચી હતી. ત્યાર બાદ ત્યાં હાજર સગીરની પૂછપરછ કરી અને દેખાવના આધારે ખંડવા જેલ પહોંચી. ત્યાંથી પોલીસને માહિતી મળી કે આ ઘટનાને અંજામ આપનારા તમામ આરોપીઓ ખંડવા જેલમાં બંધ છે. આ તમામ વિવિધ રાજ્યોના રહેવાસી છે. આરોપીઓએ ખંડવા જેલમાં બેસીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આ સાથે આરોપીઓએ ૬૦થી વધુ મોબાઈલ સિમનો ઉપયોગ કર્યો હતો.
એસપી સંજીવ કુમારે જણાવ્યું કે આ લૂંટ કેસમાં ૫ રાજ્યોના આરોપીઓ સામેલ છે. જેમાંથી પોલીસે આ ઘટનાના માસ્ટર માઇન્ડ બાબુલાલની ધરપકડ કરી છે. તે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો રહેવાસી છે. તેની પાસેથી સોનું મળી આવ્યું છે. બીજો આરોપી બિહારના મધુબનીનો રહેવાસી શ્યામ સિંહ છે. તેનો ટ્રેન દ્વારા પીછો કરીને ભોપાલથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ કેસમાં સગીર આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેને બાળ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે. હાલ ૫ આરોપીઓ હજુ પણ ફરાર છે. તેની શોધખોળ ચાલુ છે.