ઇસ્લામાબાદ, પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની પાર્ટીના કાર્યકરોની રાજકીય સતામણી સામે આંદોલન શરૂ કરવાનો સંકેત આપ્યો છે. ઈમરાન ખાને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતાઓ અને સમર્થકોને આંદોલનની રાહ જોવાની સૂચના આપી છે. પીટીઆઈ કાર્યર્ક્તાઓને સંદેશ આપતા ઈમરાન ખાને દાવો કર્યો હતો કે છેલ્લા બે દાયકા પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી ખરાબ હતા. ખાને કહ્યું કે તેમની પાર્ટીના કાર્યકરોને હેરાન કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ કરીને ઈમરાન ખાને લખ્યું, ’મારા દેશ માટે મારો સંદેશ: આપણે હવે ફાસીવાદી માફિયાઓ સામે લડવા માટે તૈયાર રહેવું પડશે. હું તમને બધાને આંદોલનના કોલની રાહ જોવાની સૂચના આપું છું.’ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે. તે તોશાખાના, બિન ઇસ્લામિક લગ્ન અને સાઇફર કેસમાં સજા ભોગવી રહ્યો છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું કે તેમની પાર્ટીના કાર્યકરો પર બળજબરીથી કાર્યવાહી કરવામાં આવી હતી, તેમના ઘરો પર અતિક્રમણ કરવામાં આવ્યું હતું, તેમની પાર્ટીના કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી અને ત્રાસ આપવામાં આવ્યો હતો. પીટીઆઈના નેતાએ વધુમાં કહ્યું કે, ’પાકિસ્તાનના કારણે અમે અત્યાર સુધી શાંત હતા, પરંતુ હવે બહુ થયું. આખો દેશ જાણે છે કે આપણા નેતાઓ પર કોણ હુમલા કરી રહ્યું છે. આ એ જ લોકો છે જેમણે ન્યાયાધીશોને હેરાન કર્યા અને પરિણામો સાથે ચેડા કરીને ચૂંટણીની મજાક ઉડાવી.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાને કહ્યું કે પીટીઆઈ સેક્રેટરી રઉફ હસન પર ઘૃણાસ્પદ હુમલો થયો છે. આ દર્શાવે છે કે શક્તિશાળી લોકો સમસ્યાઓ ઉકેલવાને બદલે કાયર યુક્તિઓનો આશરો લઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રઉફ હસન પર ચાર લોકોએ કથિત રીતે હુમલો કર્યો હતો. આ દરમિયાન પીટીઆઈએ આ હુમલાની સખત નિંદા કરી હતી. ઈમરાન ખાને સ્પષ્ટ કર્યું છે કે પીટીઆઈ આવી ગંદી રણનીતિથી ડરશે નહીં અને ગુનેગારોને દેશની સામે ખુલ્લા પાડશે.