લખનૌ, ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત બગડી છે. મુખ્તાર અંસારીની તબિયત બગડતા તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રોનું માનીએ તો મુખ્તારની મેડિકલ કોલેજના આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. આ તરફ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન અને જેલ પ્રશાસને મુખ્તારની તબિયત અંગે સંપૂર્ણ મૌન જાળવ્યું છે. બે દિવસ પહેલા મુખ્તાર અંસારીની સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી દાખવવા બદલ એક જેલર અને બે ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ પહેલા મુખ્તાર અંસારીએ આરોપ લગાવ્યો હતો કે, તેમને જેલમાં સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. ૨૧ માર્ચે જ્યારે મુખ્તાર અંસારી બારાબંકીની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં પ્રખ્યાત એમ્બ્યુલન્સ કેસમાં હાજર થઈ રહ્યા હતા ત્યારે તેમના વકીલે કોર્ટમાં અરજી આપી હતી કે, ૧૯ માર્ચની રાત્રે મને મારા ભોજનમાં ઝેરી પદાર્થ આપવામાં આવ્યો હતો. જેના કારણે મારી તબિયત લથડી હતી. મને લાગે છે કે, મને ગૂંગળામણમાં થઈ રહી છે. કૃપા કરીને ડોકટરોની એક ટીમ બનાવો અને મારી યોગ્ય સારવાર કરાવો. ૪૦ દિવસ પહેલા પણ મને ઝેરી દવા આપવામાં આવી હતી.
આ પછી કોર્ટે મુખ્તારના ચેકઅપ માટે બે ડૉક્ટરોની પેનલની ટીમને જેલમાં મોકલી હતી. જેમાં એક ચિકિત્સક અને એક ઓર્થોપેડિક નિષ્ણાત ડૉક્ટરનો સમાવેશ થાય છે. ચેકઅપ બાદ ટીમે બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો. જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે કબજિયાત અને દુખાવાની કેટલીક દવાઓ પણ આપવામાં આવી હતી. ડૉક્ટરોએ જેલ પ્રશાસનને કહ્યું કે, ઉપવાસના કારણે આવું થઈ રહ્યું છે. ભૂખ પછી મુખ્તારને અચાનક વધુ પડતું ખોરાક લેવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. જેલ પ્રશાસન દ્વારા મુખ્તાર અંસારીના મેડિકલ રિપોર્ટને કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો.
બાંદા જેલના સુપરિન્ટેન્ડેન્ટે મુખ્તાર અંસારીને સ્લો પોઈઝન આપવાના આરોપોને ફગાવી દીધા હતા. પ્રશાસને કહ્યું કે, પહેલા એક કોન્સ્ટેબલ અને પછી ડેપ્યુટી જેલર ભોજન ખાય છે ત્યારબાદ તેને મુખ્તારને આપવામાં આવે છે. જેલના ૯૦૦ કેદીઓ પણ આ જ ખોરાક ખાય છે. આવા આક્ષેપો પાયાવિહોણા છે. સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો સીસીટીવીની સાથે સિવિલ અને પીએસી દ્વારા કડક તકેદારી રાખવામાં આવી રહી છે.