માંડવી તાલુકાના ગોધરામાં આજે હત્યાની એક ઘટના બની હતી. નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી નોકરી માટે ઘરેથી નીકળી હતી. જે બસની રાહ જોઈ રહી હતી. ત્યારે જ બાઈક સવારે યુવકે આવીને ફિલ્મી સ્ટાઈલમાં તલવારના અનેક ઘા મારી યુવતીને રહેંસી નાખી હતી. જાહેરમાં હત્યાની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર પ્રસરી છે. સવારના 6 વાગ્યાની આસપાસ યુવતીની હત્યાની ઘટના બનતા પોલીસ તંત્ર પણ દોડતું થયું છે.
બનાવ અંગે માંડવી પોલીસનો સંપર્ક કરતા તેમણે બનાવની પ્રાથમિક તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ ગોધરા ગામે પોતાના ઘરેથી નોકરી માટે જવા નીકળેલી યુવતી વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં દુર્ગાપુર માર્ગે બસની રાહ જોઈ રહી હતી. ત્યારે બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સે યુવતી ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો. જાહેરમાં જ તલવારના અસંખ્ય ઘા ઝીકીને યુવતીને રહેંસી નાખી હતી. જે બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ફિલ્મી સ્ટાઈલમાં આવેલા ઈસમે નિર્દયતાપૂર્વક યુવતીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર ફેલાઈ ગઈ હતી. બીજી બાજુ જાહેરમાં હત્યાના બનાવથી કાયદો અને વ્યવસ્થા ઉપર પણ સવાલો ઊભા થયા છે.
નોકરી માટે નીકળેલી અંદાજિત 22 વર્ષીય ગોરીબેન તુલસીભાઈ ગરવા નામની યુવતીની બાઈક ઉપર આવેલા કોઈ ઈસમે તલવારના ઘા ઝીકીને સરાજાહેર હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ડર સાથે ચકચાર મચી ગઈ છે. બનાવના પગલે ગ્રામજનો અને પરિવારના સભ્યો ઘટનાસ્થળે દોડી ગયા હતા. યુવતીના મોતના પગલે સ્વજનોએ બનાવ સ્થળે જ પોક મૂકી રડતાં આક્રંદભર્યો માહોલ સર્જાયો હતો. હત્યા મામલે માંડવી પોલીસે હતભાગી યુવતીના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાને ખસેડી છે. તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હત્યા નિપજાવી હત્યારો તલવાર સ્થળ ઉપર ફેંકતો ગયો હતો.
યાત્રાધામ ગોધરા અંબેધામ તરીકે ઓળખાતા ગામમાં જાહેરમાં હત્યાના હિચકારા બનાવથી ગરવા સમાજ અને ગ્રામજનોમાં દુઃખની લાગણી ફેલાઇ છે. આ અંગે સ્થાનિકે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વિધવા માતાની દીકરી નોકરી કરતી હતી. મુન્દ્રા તાલુકાના તુંબડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ નિભાવતી હતી. આ યુવતી તેમની માતા અને બે ભાઈઓ સાથે રહેતી હતી.