અમેરિકાના અનેકવિધ પ્રતિબંધોને કારણે ઈરાન તબાહ થઈ ગયું છે. જેના કારણે તેમના અબજો ડોલર દક્ષિણ કોરિયા અને અમેરિકામાં ફસાઈ જવા પામ્યા છે. હવે ધીમે ધીમે તે પોતાના પૈસા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાંચ અમેરિકન નાગરિકોને જેલમાંથી મુક્ત કરવાની શરતે ઈરાનને તેના અબજો ડોલર મળશે. હાલમાં અમેરિકાના પાંચ નાગરિકોને ઈરાનની જેલમાંથી બહાર કાઢીને નજરકેદ કરવામાં આવ્યા છે. નજરકેદ કરાયેલા આ તમામ લોકો ઈરાની મૂળના અમેરિકન નાગરિક છે. તેઓ ટૂંક સમયમાં ઈરાનમાંથી છૂટકારો મેળવશે અને ઈરાનમાં કરેયાલા ગુનાની માફી પણ મેળવશે.
મીડિયા અહેવાલો અનુસાર, વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કે, ગુરુવારે ચાર કેદીઓ – સિયામક નમાઝી, ઇમાદ શાર્ગી, મોરાદ તહબાઝ અને ચોથો અમેરિકન નાગરિક – કુખ્યાત ઇવિન જેલમાંથી નજરકેદમાં ખસેડવામાં આવ્યા છે. પાંચમા અમેરિકન નાગરિકની પણ ઓળખ થઈ શકી નથી. પરંતુ તે પહેલાથી જ નજરકેદ છે. બંધક બનાવવામાં આવેલા આ તમામ અમેરિકન નાગરિકો ઈરાની મૂળના છે અને ઈરાનમાં બેવડી નાગરિકતા સ્વીકાર્ય નથી.
ઈરાને કેદીઓની ટ્રાન્સફર સ્વીકારી છે. આ માટે પ્રતિબંધોને કારણે ફસાયેલા, ઈરાનના 6-7 અબજ ડોલરને મુક્ત કરવા પર સહમતિ બની છે. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યારે કેદીઓને મુક્ત કરવામાં આવશે ત્યારે કતારના રસ્તે ઈરાન મોકલવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં કેટલો સમય લાગશે તે અત્યારે સ્પષ્ટ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેદીઓને મુક્ત કરવાની પ્રક્રિયા આવતા મહિના સુધી થઈ શકે છે અને તે મુજબ પૈસા ઈરાનને પરત કરવામાં આવશે. હાલમાં આ પાંચ નાગરિકોને ઈરાનની જેલમાંથી, નજરકેદમાં ખસેડવામાં આવ્યા છે.
કેદીઓમાંના એકનું પ્રતિનિધિત્વ કરતા યુએસ સ્થિત વકીલ જેરેડ ગેન્સરે જણાવ્યું હતું કે પાંચેયને ભારે સુરક્ષા સાથે હોટલમાં રાખવામાં આવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના ઈરાનના સ્થાયી સભ્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈરાન અને અમેરિકા તૃતીય પક્ષની મધ્યસ્થી સાથે માનવતાવાદી સહકાર કરારના ભાગરૂપે પાંચ કેદીઓને મુક્ત કરવા અને તેના આધારે ઈરાનને તેના પૈસા પરત આપવા માટે સંમત થયા છે.
1980 થી યુએસ અને ઈરાન વચ્ચે કોઈ ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી, અને તમામ વાટાઘાટો ત્રીજા પક્ષના આશ્રય હેઠળ હાથ ધરવામાં આવે છે. તાજેતરની બેઠકો ઓમાન અને કતાર દ્વારા યોજવામાં આવી હતી. આ સિવાય યુનાઈટેડ આરબ અમીરાત, ઈરાક અને સ્વિત્ઝર્લેન્ડે પણ મીટીંગો યોજી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે અમેરિકનોને “શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડવાની અને તેમના પ્રિયજનો સાથે ફરી મળવાની મંજૂરી આપવી જોઈએ.”