ભુવનેશ્ર્વર,
ઓડિશાના પુરી જગન્નાથ ધામમાં એક સાધુએ બીજા સાધુની નિર્દયતાથી હત્યા કરી નાખી છે. અન્ય સાધુ પર ખૂની હુમલો થતાં તે લોહીલુહાણ થઈ ગયો છે. મૃતકની ઓળખ અર્જુન બાબા ઉર્ફે નારુગોપાલ મિશ્રા (૫૮ વર્ષ) તરીકે થઈ છે, જ્યારે ઈજાગ્રસ્ત સાધુ દયાનિધિ દાસ (૬૫ વર્ષ) છે. આરોપી વિષ્ણુ બાબા ઉર્ફે રવિન્દ્ર જેના (૪૦ વર્ષ)ની પોલીસે ધરપકડ કરી છે.
માહિતી મળતાં જ પુરીના એસપી કુંવર વિશાલ સિંહ, એડિશનલ એસપી સુશીલ કુમાર મિશ્રા સહિત અન્ય પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે સાયન્ટિફિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘટનાસ્થળેથી હત્યામાં વપરાયેલ લાકડું, બ્લેડ, લોહીના ડાઘાવાળી ઈંટ વગેરે કબજે કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ મૃતક અર્જુન બાબા મૂળ પશ્ર્ચિમ બંગાળના મેદિનીપુર નંદીગ્રામ પોલીસ સ્ટેશન દક્ષિણપાડા ગામનો રહેવાસી હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી તે પુરીના બસેલીસાહી પોલીસ સ્ટેશન હેઠળના ગુરુકૃપા આશ્રમમાં રહેતો હતો. લોકો તેમને બંગાળી બાબાના નામથી પણ ઓળખતા હતા.
ગુરુકૃપા આશ્રમના માલિક કૃષ્ણચંદ્ર સાહુના જણાવ્યા અનુસાર, ગંજમ જિલ્લા ભાંજનગર પોલીસ સ્ટેશન હેઠળના રામુંડી ગામના વિષ્ણુ બાબા ઉર્ફે રવિન્દ્ર જેણા છેલ્લા ત્રણ મહિનાથી અર્જુન બાબાની જેમ જ અહીં રહેતો હતો. આ બંને બાબા ખૂબ જ સુંદર રીતે કીર્તન કરતા હતા અને ભક્તો પાસેથી મળેલા દાન પર ગુજરાન ચલાવતા હતા.
આશ્રમના માલિક કૃષ્ણચંદ્ર સ્થાનિક ટોટા ગોપીનાથ મંદિરના ટ્રસ્ટી છે. શુક્રવારે અહીં એક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં આરોપી સાધુ ઉપરાંત અન્ય સાધુઓ સામેલ હતા. આ ઉત્સવમાં અર્જુન બાબાએ પણ ભાગ લીધો હતો. જોકે, તેઓ બપોરનું ભોજન પતાવીને આશ્રમમાં આવ્યા હતા. તે આશ્રમમાં સૂતો હતો, તે જ સમયે વિષ્ણુ બાબાએ તેને લાકડાના ટુકડાથી માર્યો.
બીજી તરફ દયાનિધિ દાસ (૬૫ વર્ષ)એ વિષ્ણુને બંગાળી બાબા પર હુમલો કરતા જોયા અને પ્રતિકાર કર્યો. આ અંગે આરોપી સાધુએ તેના માથા પર ઈંટ વડે હુમલો કર્યો હતો. જેના કારણે સાધુ દયાનિધિ દાસનું માથું ફાટી ગયું. તેમને પહેલા પુરી જિલ્લા હોસ્પિટલ અને પછી ભુવનેશ્ર્વર ખસેડવામાં આવ્યા છે.
તે જ સમયે, પોલીસનું કહેવું છે કે આ બંને સાધુઓ વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો. આ પછી વિષ્ણુ બાબાએ અર્જુન બાબાને લાકડાના ટુકડાથી માર માર્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ૩૦ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. શુક્રવારે રાત્રે જ સાધુના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. જોકે, રવિવારે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. બસેલીસાહી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.