જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે ડ્રેસ કોડ, આવતા વર્ષે ૧લી જાન્યુઆરીથી લાગુ થશે

ભુવનેશ્ર્વર, પુરીના જગન્નાથ મંદિરમાં દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ માટે ડ્રેસ કોડ લાગુ થશે. સત્તાવાર નિવેદન મુજબ આ વ્યવસ્થા આગામી વર્ષે ૧લી જાન્યુઆરીથી જ લાગુ થશે. જે અંતર્ગત શ્રદ્ધાળુઓએ ગરિમાપૂર્ણ કપડાં પહેરવાના રહેશે. જગન્નાથ મંદિર પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે તેની માગ ઘણાં સમયથી થઈ રહી હતી. ત્યારે હવે ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી આ વ્યવસ્થા પૂરી કડક વલણ સાથે લાગુ થશે.

અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારથી આ અંગે જાગરુક્તા અભિયાન શરુ કરાશે. જગન્નાથ મંદિર પોલીસ અને મંદિરના સેવાદાર નિયમોનું પાલન ન કરનાર પર કડક નજર રાખશે. જગન્નાથ મંદિર પ્રશાસનના મુખ્ય પ્રશાસક રંજનકુમાર દાસે જણાવ્યું કે- જગન્નાથ મંદિરમાં આવતા લોકોએ પારંપરિક કપડાં પહેરવાના રહેશે. શોર્ટસ, ફાટેલું જીન્સ અને સ્કર્ટ પહેરીને આવતા લોકોને દર્શનની મંજૂરી નહીં મળે. તેમણે કહ્યું કે દેશના અનેક મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરાયા છે.

પુરી શ્રીમંદિરમાં સેવાદારોના સંગઠન દૈતાપતિ નિજોગ મંદિર, શ્રદ્ધાળુઓ માટે ડ્રેસ કોડ લાગુ કરવાની માગ કરી રહ્યું છે. સંગઠનનો આરોપ છે કે અનેક લોકો હાફ પેન્ટ પહેરીને મંદિરમાં આવે છે. આ જગન્નાથ સંસ્કૃતિ અને અન્ય શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. નિજોગે એમ પણ કહ્યું કે- પશ્ર્ચિમી કપડાં પહેરીને આવતા શ્રદ્ધાળુઓને ચેન્જિંગ રુમ આપવામાં આવે. જ્યાં તેઓ કપડાં બદલ્યા બાદ જ આ લોકોને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી મળવી જોઈએ.