મધ્યપ્રદેશના જબલપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં ખાણ ધસી પડતાં ત્રણ મજૂરોનાં મોત થયાં હતાં. આ ખાણ લગભગ ૨૦ ફૂટ ઊંડી હતી. આ અકસ્માતમાં ત્રણ જેટલા લોકો ઘાયલ થયા છે. જ્યારે એક મજૂર ગુમ છે. રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ ઘટના ગોસલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કટરા રામખીરિયા ગામમાં બની હતી.
અહીં કામદારો બરનુ નદીના કિનારે ખાણમાંથી રેતી કાઢી રહ્યા હતા. તમામ મૃતકો કટરાના રહેવાસી હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ એક મજૂર હજુ પણ ગુમ છે અને તેને શોધવાના પ્રયાસો ચાલુ છે. બચાવ ટુકડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મૃત્યુ પામેલા ત્રણ મજૂરોમાં એક મહિલા છે.
જોકે વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદે રેતી ખનન માફિયાઓ સામે કડકાઈ વધારી છે, પરંતુ તેમ છતાં ગેરકાયદેસર ખનનનું કામ પૂરજોશમાં ચાલુ છે. મળતી માહિતી મુજબ, અહીં પણ રેતી માફિયા આ મજૂરોને ગેરકાયદેસર રીતે રેતી ખનનનું કામ કરાવતા હતા. તે સમયે આ અકસ્માત થયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
એએસપી સોનાલી દુબેના જણાવ્યા અનુસાર અહીં ગેરકાયદેસર રેતી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૭ લોકો દટાયા હતા, જેમાંથી ત્રણના મોત થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. એક હજુ સુધી મળ્યો નથી. શોધ ચાલુ છે. તેમજ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.