ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયલે 25 દિવસ બાદ જવાબી કાર્યવાહી કરી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઈઝરાયલે 3 કલાકમાં 20 ઈરાનના ટાર્ગેટ પર હુમલો કર્યો. હુમલો સવારે 2:15 વાગ્યે (ઇઝરાયલ સમય મુજબ) શરૂ થયો હતો. 5 વાગ્યા સુધી હુમલા ચાલુ રહ્યા, જેમાં મિસાઈલ ફેક્ટરીઓ અને સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ઈરાન પર 2.30 (સ્થાનિક સમય) પર હુમલાની જાણકારી આપી હતી. (IDF પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઈઝરાયલ 1 ઓક્ટોબરના હુમલાના જવાબમાં ઈરાન પર હુમલો કરી રહ્યું છે. હગારીએ કહ્યું હતું કે ઈરાન અને મધ્ય-પૂર્વમાં તેના સહયોગી 7 ઓક્ટોબર, 2023થી ઈઝરાયલ પર 7 મોરચે હુમલો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઈઝરાયલને પણ જવાબ આપવાનો અધિકાર છે. અમે ઇઝરાયલ અને અમારા લોકોના રક્ષણ માટે જે જરૂરી હશે એ કરીશું.
ઈરાની મીડિયાના અહેવાલ મુજબ, આ હુમલા તેહરાનના ઈમામ ખોમેની ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે થયા હતા. એરસ્ટ્રાઈક બાદ અમેરિકાએ ઈઝરાયલનું સમર્થન કર્યું છે અને કહ્યું હતું કે આ ઈરાનના હુમલાનો જવાબ છે.
આ હુમલામાં ઈઝરાયલે તેમના ઉદ્દેશ્યો પૂરા કર્યા
IDF પ્રવક્તાએ કહ્યું, થોડાં સમય પહેલાં IDFએ ઈરાનના અનેક ક્ષેત્રોમાં સૈન્ય ઠેકાણા વિરુદ્ધ સટીક હુમલા પૂર્ણ કર્યા. આ હુમલો હાલના મહિનામાં ઈરાનમાં ઇઝરાયલ રાજ્ય અને તેના નાગરિકો વિરુદ્ધ શાસનના હુમલાના જવામાં કરવામાં આવ્યા હતા. જવાબી હુમલો પૂરો થઈ ગયો છે અને તેનો ઉદેશ્ય પણ પ્રાપ્ત કરી લીધો છે.
જો ઈરાન બદલો લેશે તો અમે ઈઝરાયલનો બચાવ કરીશું: US
ઈઝરાયલના મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ ઈરાનને પણ જવાબી કાર્યવાહી ન કરવા કહ્યું છે. વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રતિસાદ પ્રમાણસર હતો. અમે ઈરાનને સંદેશો મોકલ્યો કે જો તે બદલો લેશે તો અમે ઈઝરાયલનું રક્ષણ કરીશું.
ઇઝરાયલી સેના દરેક રીતે તૈયાર છે: IDF
હુમલા બાદ ઈઝરાયલની સેનાએ ઈરાનને ધમકી આપી છે અને કહ્યું છે કે જો ઈરાન હવે પ્રતિક્રિયા આપવાની કોશિશ કરશે તો અમે દરેક રીતે તૈયાર છીએ. IDFના પ્રવક્તાએ કહ્યું, ‘ઈરાન મહિનાઓથી ઈઝરાયલ વિરુદ્ધ વારંવાર હુમલા કરી રહ્યું હતું. જેના જવાબમાં ઈઝરાયલે ઈરાનમાં સૈન્ય લક્ષ્યો પર સચોટ હુમલા કર્યા છે. વિશ્વના દરેક સાર્વભૌમ દેશની જેમ, ઇઝરાયલને પણ જવાબ આપવાનો અધિકાર છે. અમારી રક્ષણાત્મક અને આક્રમક ક્ષમતાઓ સંપૂર્ણ રીતે કાર્યરત છે. અમે ઇઝરાયલ અને ઇઝરાયલી લોકોની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરીશું.