ઈઝરાયલને જોરદાર ઝટકો, ૩ યુરોપિયન દેશોએ પેલેસ્ટાઈનને એક ’રાષ્ટ્ર’ તરીકે માન્યતા આપી

ગાઝા, સ્પેનની સાથે આયરલેન્ડ અને નોર્વે પણ પેલેસ્ટાઈનને એક રાજ્ય તરીકે સત્તાવાર માન્યતા આપવાની જાહેરાત કરી દેતાં ઈઝરાયલને મોટો ઝટકો લાગ્યો છે. આયરિશ વડાપ્રધાન સાઈમન હેરિસે બુધવારે કહ્યું કે આ આયરલેન્ડ, સ્પેન અને નોર્વે સાથે લેવાયેલું પગલું છે. તેનો ઉદ્દેશ્ય ટુ-સ્ટેટ સોલ્યુશનના માધ્યમથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના કાયમી સંઘર્ષનું સમાધાન કરવાનો છે.

આ દરમિયાન ત્રણેય દેશોના નિર્ણયથી ઈઝરાયલ ભડક્યું હતું. તેના વિદેશમંત્રી કાટ્ઝેએ આયરલેન્ડ અને નોર્વેથી ઈઝરાયલના રાજદૂતને તાત્કાલિક ધોરણે દેશ પરત ફરવા આદેશ કરી દીધો છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજે કહ્યું કે તેમનો દેશ ૨૮ મેના રોજ પેલેસ્ટાઈનને એક સ્ટેટ તરીકે માન્યતા આપશે. કાટ્ઝેએ કહ્યું કે નોર્વે અને આયરલેન્ડ સાંભળી લે કે અમે આ મામલે ચુપ નથી બેસવાના. આ ઈઝરાયલના સાર્વભૌમત્વ અને સુરક્ષાને નુક્સાન પહોંચાડનારું પગલું છે.

ચાલુ મહિનાની શરૂઆતમાં સ્પેનના વિદેશમંત્રી જોસ અલ્બેરેસે કહ્યું હતું કે તેમણે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકનને પેલેસ્ટાઈનને માન્યતા આપવાની તેમની સરકારની મંશા વિશે અગાઉથી જાણ કરી દીધી હતી. જોકે સ્પેનને પણ ઈઝરાયલે ચેતવણી આપતાં કહ્યું હતું કે તેની સામે પણ અમે નોર્વે અને આયરલેન્ડ જેવા જ પગલાં ભરીશું. ઉલ્લેખનીય છે કે ત્રણેય દેશો તરફથી પેલેસ્ટાઈનનું સમથર્ન એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ઈઝરાયલ અને ગાઝા વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે.