ગાઝા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, બંને દેશો એકબીજા પર હુમલા કર્યા છે, ત્યારે ઈઝરાયેલી સેનાએ ગાઝાના ઉત્તરીય વિસ્તારોના રહેવાસીઓને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. અને કહ્યું છે કે, ’તમે જ્યાં રહો છો તે યુદ્ધ ક્ષેત્ર છે. હુમલો ગમે ત્યારે થઈ શકે છે. તેથી, તમારા પરિવાર સાથે આ વિસ્તાર છોડી દો.’
ઈઝરાયેલે ઉત્તરી ગાઝા પટ્ટીના બીટ લાહિયા શહેરના રહેવાસીઓને આ વિસ્તારમાં નવા મોટા હુમલાની આશંકાથી તાત્કાલિક સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોસસના પ્રવક્તા અવિચાય અદ્રાઇએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ લખીને વિસ્તારમાં રહેતા તમામ લોકોને ચેતવણી આપી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, ’તમે ખતરનાક યુદ્ધ ક્ષેત્રમાં છો. અહીં ગમે ત્યારે હુમલો થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે સેના પાસે આ ક્ષેત્રમાં હમાસ વિરુદ્ધ મોટી તાકાત સાથે કાર્યવાહી કરવાની રણનીતિ છે.
ઇઝરાયેલની બચાવ સેવાના જણાવ્યા અનુસાર, ગત મંગળવારે ગાઝાથી દક્ષિણ ઇઝરાયેલના શહેર સેડેરોટ તરફ ચાર રોકેટ છોડવામાં આવ્યા હતા. જેના કારણે હવાઈ હુમલાની સાયરન વગાડવામાં આવી હતી. જોકે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. રોકેટ પર છોડેલી ઇન્ટરસેપ્ટર મિસાઇલના કાટમાળને કારણે ગેરેજમાં આગ લાગી હતી. ઇઝરાયલે ગાઝાના રફાહમાં મિસાઇલ હુમલા કર્યા હતા. જોકે આ હુમલામાં કોઈના માર્યા ગયાના સમાચાર નથી આવ્યા, પરંતુ શરણાર્થી શિબિરમાં ઘણું નુક્સાન થયું છે. જેના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.