
દોહા, નવીદિલ્હી: તદ્દન અચાનક જ ફાટી નીકળેલાં આરબ (પેલેસ્ટાઈનીયન)-ઇઝરાયલ યુદ્ધમાં પશ્ચિમના દેશોએ ઇઝરાયલને સંપૂર્ણ સહાય કરવાનું વચન આપ્યું છે. જ્યારે સઉદી આરબના સહિત આરબ દેશોએ તત્કાળ યુદ્ધ વિરામ માટે અનુરોધ કરતાં વિશ્વ સમાજને પણ તે માટે હાથ લંબાવવા અપીલ કરી છે. સાથે ”ટુ સ્ટેટ સોલ્યુશન” (બે સ્વતંત્ર રાજ્યો) ફરીથી સ્થાપવા અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ૧૯૬૭નાં યુદ્ધ પછી ગાઝા-પટ્ટી અને જોર્ડન નદીના પશ્ચિમના કાંઠા પરનાં સ્વતંત્ર અને સાર્વભૌમ પેલેસ્ટાઈનીય રાષ્ટ્ર ઉપર ઇઝરાયલે કબ્જો જમાવ્યા પછી તેને આંતરિક સ્વરાજ સોંપ્યું હતું.
દરમિયાન શનિવારે વહેલી સવારે ડઝનબંધ પેલેસ્ટાઈનીયનોને દક્ષિણ ઇઝરાયલમાં ઉભી કરેલી આડશો વચ્ચેથી અચાનક ઘૂસી જઈ અનેક લોકોની હત્યા કરી હતી. એક આંક મુજબ ૫૦૦થી વધુના જાન ગયા હતા. તેમના ગોળીબારમાં ૯૦૦થી વધુ ઘાયલ થયા હતા તેમણે ૨૫૦થી વધુ રોકેટ્સ પણ છોડતાં હમાસનાં આ ઓપરેશન અલ્-આશ્કા લીધે અનેકો ઇજાગ્રસ્ત તો થયા જ હતા. પરંતુ તે સાથે પેલેસ્ટાઈનીઓ ૩૫ જેટલા ઇઝરાયલીઓનું અપહરણ પણ કરી ગયા હતા.
આ સામે ઇઝરાયલના વડાપ્રધાન નેતાન્યા હુએ ઓપરેશન સ્વોર્ડ ઓફ આર્યન જાહેર કરી ઇઝરાયલની વિમાન દળ દ્વારા કેટલી પ્રચંડ બોમ્બ વર્ષામાં ૨૦૦થી વધુ પેલેસ્ટાઈનીયોના મૃત્યુ થયાં હતાં. જ્યારે ૧૬૦૦થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા.
અમેરિકાના પ્રમુખ જો બાઇડેન વડાપ્રધાન નેતાન્યાહેને ખાતરી આપતાં કહ્યું હતું કે અમેરિકા ઇઝરાયલની સાથે જ છે, અને સ્વીકારે છે કે ઇઝરાયલને પોતાનાં સ્વરક્ષણનો સંપૂર્ણ અધિકાર છે. આ માહિતી આપતાં ઇઝરાયલના વડાપ્રધાનની ઓફીસ વધુમાં જણાવે છે કે અમેરિકાએ ઇઝરાયલને સંપૂર્ણ (શસ્ત્રો અને નાણાંકીય) સહાય આપવાનાં વચન સાથે જણાવ્યું હતું કે, ત્રાસવાદને કદી યોગ્ય કહી જ ન શકાય, ઇઝરાયલને તેનાં સ્વરક્ષણનો પૂરો અધિકાર છે.
ફ્રાંસના પ્રમુખ મેક્રોએ ઇઝરાયલના પ્રમુખ ઇસાક હર્ગોઝ સાથે વાતચીત કરી હતી અને ગાઝા પટ્ટીમાં થયેલો હુમલો વખોડી કાઢતાં ઠ ઉપર ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, ફ્રાંસ ઇઝરાયલ અને ઇઝરાયલોની સત્તા સાથે જ રહેશે. હોલેન્ડના વડાપ્રધાન માર્કરૂટ્ટેએ પણ ઇઝરાયલને તેનાં સ્વરક્ષણનો સંપૂર્ણ અધિકાર છે તેમ સ્પષ્ટ કહ્યું હતું.
બીજી તરફ સાઉદી અરબીસ્તાનનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધ માટે અમે તો પહેલેથી જ ચેતવણી આપી હતી. વિશેષતઃ ઇઝરાયલ દ્વારા વારંવાર થઈ રહેલી ઉશ્કેરણી અને પવિત્ર સ્થળોની ગણતરીપૂર્વક થઈ રહેલી અવમાનના ઉપરથી તે સ્પષ્ટ થઈ ગયું હતું.
જ્યારે દોહાથી મળતા અહેવાલો જણાવે છે કે કતારે આ યુદ્ધ માટે ઇઝરાયલને જ સંપૂર્ણ રીતે જવાબદાર ગણતાં કહ્યું હતું કે મક્કા અને મદીના પછીનાં ઇસ્લામના સૌથી વધુ પવિત્ર સ્થળ અલ્-આશ્કા મસ્જિદની પવિત્રતા ઓળંગી ઇઝરાયેલે પાપ કર્યું છે.
ભારતના વડાપ્રધાન મોદીએ ઇઝરાયલ ઉપર થયેલ હુમલાને વખોડી કાઢતાં કહ્યું હતું કે ભારત ઇઝરાયલને મજબૂત રીતે ટેકો આપી રહ્યું છે.
યુદ્ધમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાંસ અને જર્મની સહિતનાં રાષ્ટ્રોને માટે ઇઝરાયલ જ એક પવિત્ર ભૂમિ છે. તેઓ માટે ભૂમધ્ય સમુદ્રમાંથી મધ્ય પૂર્વ અને ત્યાંથી એશિયામાં જવા માટેનું પગથિયું છે.
આ સાથે વિશ્લેષકો કહે છે કે પશ્ચિમનું લક્ષ્ય અત્યારે તેમની પવિત્ર ભૂમિ બચાવવાનું હોઈ તે યુક્રેનને પૂરતી શસ્ત્ર સહાય કરી પણ ન શકે તેથી રશિયાને અનુરૂપતાં મળી જશે. યુક્રેનની મુશ્કેલીઓ વધી જશે. તેને પશ્ચિમ પૂરતાં શસ્ત્રો કદાચ આપી નહીં શકે.