ઈઝરાયેલને શસ્ત્રો  આપવાનું બંધ નહીં કરીએ,બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ કેમેરોન

લંડન : ગાઝા પટ્ટી સ્થિત રફાહ ઉપર ઈઝરાયલ જો હુમલો કરે તો, તેને શસ્ત્ર સહાય બંધ કરવાની વાતને બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ કેમેરોને સ્પષ્ટ રદિયો આપતાં કહ્યું છે કે, બ્રિટન ઈઝરાયલને શસ્ત્રો આપવાનું બંધ નહીં જ કરે.

આ સાથે તેમણે તેમ પણ કહ્યું હતું કે, રફાહ સ્થિત સેંકડો નાગરિકો સલામતી લક્ષ્યમાં લેતાં બ્રિટન રફાહ ઉપરના હુમલાને પુષ્ટિ પણ આપતું નથી. વાસ્તવમાં તે નાગરિકોને સલામત સ્થળે પહોંચાડવા જ જોઈએ તેમ પણ બ્રિટન માને છે.

આમ છતાં બ્રિટિશ વિદેશ મંત્રીએ કહ્યું હતું, જો આજે જ અમે અમારો મત ફેરવી અને દ્રષ્ટિકોણ પણ ફેરવી દઈએ કે, અમે ઈઝરાયલને શસ્ત્રો નહીં આપીએ તો તેથી હમાસ પ્રબળ બની જશે અને તેણે રાખેલા બંધકોની મુક્તિની સંભાવના નહીવત બની જશે.

ડેવિડ કેમેરોનનાં આ વિધાનો કંઈ આશ્ચર્યજનક નથી, તેમ કહેતા વિશ્લેષકો કહે છે કે, જો તેમણે શસ્ત્રો નહીં મોકલવાનું કહ્યું હોત તો જ આશ્ચર્ય થાત. વાત સીધી છે. પશ્ચિમનું જગત ઈઝરાયલને મધ્ય પૂર્વમાં પ્રવેશવાનું ફૂટ-બોર્ડ માને છે. જે છે જ. આથી ઈઝરાયલને નુકસાન ન થાય તે તેમની સૌથી પહેલી પસંદગી છે.

ઇંગ્લેન્ડની વાત લઈએ તો પ્રથમ વિશ્વ યુદ્ધ પછી મુસ્લિમ ઓટોમન સામ્રાજ્યમાંથી પેલેસ્ટાઇન પ્રદેશ બ્રિટને મુક્ત કર્યો. યહૂદીઓ તેમાં બહુમતીમાં હતા. તેથી તેના બે ભાગ કર્યા. પેલેસ્ટાઇન અને ઈઝરાયલ તેમાં યહૂદીઓને પેલેસ્ટાઇનીઓ (જેઓ આરબો છે) તેમના કરતાં ૧૦ ગણો વિશાળ પ્રદેશ યહૂદી રાજ્ય તેવા ઈઝરાયલને આપ્યો. માત્ર સમુદ્ર તટથી ૨૨ માઇલ પહોંળી ગાઝા પટ્ટી અને પૂર્વમાં જોર્ડન નદીના પશ્ચિમ તટનો થોડો વિસ્તાર આરબો (પેલેસ્ટાઇનીઓને) આપ્યો. વાસ્તવમાં તો બ્રિટન ત્યાં પહોંચ્યું તે પૂર્વે સદીઓથી તે વિસ્તારમાં આરબો અને યહુદીઓ લડી રહ્યા છે.

પશ્ચિમ (યુરોપ) બળવત્તર થતાં તેણે યહુદીઓને સબળ કરવાનો પ્રારંભ કર્યો. ૧૧મી સદીથી તો ઇસ્લામિક સત્તા અને ખ્રિસ્તી તેવા યુરોપીય દેશોનાં સંયુક્ત દળો વચ્ચે સંઘર્ષ ચાલી જ રહ્યો છે. ધર્મ આધારે તે પ્રદેશના બે ભાગ કરાયા તે હિન્દુસ્તાન (અખંડ ભારત)ના ભાગલા કરવાની ગણતરીએ કરાયા. ભારતના ભાગલા થયા. ૧૯૪૮ના ઈઝરાયલ-પેલેસ્ટાઇન રાષ્ટ્રો થયા. પછી ઈઝરાયલે પેલેસ્ટાઇની પ્રદેશ ઉપર ૧૯૬૭માં જૂનમાં કબજો જમાવી દીધો. ત્યારથી આ સંઘર્ષ ચાલે છે. અમેરિકા સહિત પશ્ચિમના દેશો ઈઝરાયલ તરફી જ છે. મોંઢેથી ભલે જુદુ કહેતા હોય.