ઈઝરાયેલને સમર્થન કરવાથી ભારતને નુકસાન થશે, કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી

નવીદિલ્હી, પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ દ્વારા ઇઝરાયલીઓ પરના હુમલાની નિંદા કર્યાના એક દિવસ પછી કોંગ્રેસે સોમવારે પેલેસ્ટિનિયનો માટે સમર્થન વ્યક્ત કર્યું. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન પસાર કરાયેલા ઠરાવમાં સંઘર્ષ અંગે દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું હતું અને યુદ્ધવિરામ માટે હાકલ કરવામાં આવી હતી.

આ ઠરાવ પેલેસ્ટિનિયન લોકોના અધિકારોનું સમર્થન કરે છે. કોંગ્રેસે કહ્યું છે કે તે પેલેસ્ટિનિયન લોકોના જમીન, સ્વ-શાસન અને જમીનના અધિકારો માટે લાંબા સમયથી સમર્થન ધરાવે છે. કોંગ્રેસના આ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ છે કારણ કે ભારત સરકારે આ યુદ્ધમાં ઈઝરાયેલને સમર્થન આપ્યું છે.

આ પ્રસ્તાવ બાદ કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભારતની વિદેશ નીતિ અંગે પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. અલ્વીએ કહ્યું કે જે રીતે રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારત સરકારનું વલણ હતું કે તે સમાપ્ત થવું જોઈએ, તે જ રીતે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને પણ હોવું જોઈએ. આ યુદ્ધ સમાપ્ત થવું જોઈએ. સરકારે સંયુક્ત રાષ્ટ્રને કહેવું જોઈતું હતું કે આ યુદ્ધ ખતમ થવું જોઈએ. આ બંનેને જણાવવું જોઈતું હતું કે આમાં લોકો માર્યા જાય છે અને બાળકોની હત્યા થઈ રહી છે. તેથી યુદ્ધવિરામ થવો જોઈએ.

અલ્વીએ વિદેશ નીતિ પર વધુ પ્રશ્ર્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું- અમારી વિદેશ નીતિ ખોટી નીતિ છે. ઈઝરાયેલને સમર્થન આપવાથી ગલ્ફ દેશો સાથેના આપણા સંબંધો બગાડી શકે છે. અમે ગલ્ફ દેશોમાંથી ક્રૂડ ઓઈલ ખરીદીએ છીએ. ખાડી દેશો સાથે અમારા ઘણા સારા સંબંધો છે. મને નથી ખબર કે ભારત સરકારની શું મજબૂરી છે કે આજે તે આ યુદ્ધમાં એક દેશને સાથ આપી રહી છે.

પીએમ મોદીએ ઈઝરાયેલ મુદ્દે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું  ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એક્તામાં ઊભા છીએ.