
જેરુસલેમ : ઈઝરાયેલ પર હુમલા બાદ હમાસના કમાન્ડર મહમૂદ અલ-જહરે એક મિનિટથી વધુ સમયનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેણે આખી દુનિયા પર પોતાનો પ્રભાવ વધારવાનો દાવો કર્યો છે. તેમની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઇઝરાયેલ પર રોકેટ હુમલા બાદ હમાસે સેંકડો ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવી લીધા છે.
હમાસે ઈઝરાયેલ પર ૭ ઓક્ટોબરે હવાઈ હુમલા કર્યા હતા, જેમાં અત્યાર સુધીમાં ૧૨૦૦ ઈઝરાયેલી નાગરિકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ હમાસના કમાન્ડર મહમૂદ અલ જહરે એક વીડિયો જાહેર કરીને આખી દુનિયાને ચેતવણી આપી છે.
હમાસ કમાન્ડરે વિડિયોમાં જણાવ્યું હતું કે, “ઇઝરાયેલ માત્ર પ્રથમ લક્ષ્ય છે.” આખી દુનિયા આપણા કાયદામાં રહેશે. ૫૧૦ મિલિયન ચોરસ કિલોમીટરનું આખું વિશ્ર્વ એક એવી વ્યવસ્થા હેઠળ આવશે જ્યાં કોઈ અન્યાય, કોઈ જુલમ અને કોઈ ગુનો નહીં હોય, જેમ કે તમામ આરબ દેશો, લેબનોન અને સીરિયામાં પેલેસ્ટિનિયનો સાથે કરવામાં આવી રહ્યું છે.
હમાસ કમાન્ડરના આ વીડિયો પછી જ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદન જાહેર કર્યું, જેમાં તેમણે આતંકવાદી સંગઠનને ચેતવણી આપતા કહ્યું કે હમાસના દરેક સભ્યનું મોત નિશ્ર્ચિત છે. તેણે કહ્યું, ‘હમાસ એક (આતંકવાદી) સંગઠન છે અને અમે તેને કચડી નાખીશું. જેમ દુનિયાએ તેનો નાશ કર્યો છે તેમ આપણે પણ કરીશું.
ઈઝરાયેલ પર રોકેટ હુમલા બાદ હમાસના આતંકવાદીઓએ સેંકડો ઈઝરાયેલના નાગરિકોને બંધક બનાવી લીધા છે. ઇઝરાયેલના પીએમ અને વિપક્ષી દળોએ સંયુક્ત રીતે હમાસ સામે ‘રાષ્ટ્રીય કટોકટી સરકાર’ની સ્થાપના કરી છે.