ઇઝરાયેલમાં ઘૂસેલા હમાસના ૧,૫૦૦ આતંકવાદીઓનો ખાત્મો

તેલઅવીવ, ઈઝરાયેલમાં હમાસના હુમલા બાદ ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહી છે. ઈઝરાયેલના બોમ્બમારાથી ગાઝા પટ્ટીમાં મોટાપાયે વિનાશ થયો છે. જેમાં હમાસના ૪૭૫ રોકેટ સિસ્ટમ અને ૭૩ કમાન્ડ સેન્ટર પણ નષ્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલના મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયેલની સરહદમાં ઘૂસી ગયેલા હમાસના ૧૫૦૦ આતંકવાદીઓ માર્યા ગયા છે.

ઇઝરાયેલની ટીવી ચેનલ ૧૩ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે પેલેસ્ટિનિયન આતંકવાદીઓના લગભગ ૧,૫૦૦ મૃતદેહો ઇઝરાયેલના વિસ્તારમાં વિખરાયેલા છે. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ અંદાજ લગાવ્યો છે કે શનિવારે સવારથી ઇઝરાયેલમાં ઘૂસણખોરી કરનારા સેંકડો હમાસ અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદી બંદૂકધારીઓને સૈન્યએ મારી નાખ્યા છે.

ઇઝરાયેલે ૨૩ ઇમારતો પર પણ હુમલો કર્યો જેનો ઉપયોગ હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સિવાય હમાસના ૨૨ અંડરગ્રાઉન્ડ ઠેકાણાઓને પણ નષ્ટ કરવામાં આવ્યા હતા. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં ૭૦૪ પેલેસ્ટાઈન માર્યા ગયા હતા, જેમાં ૧૪૩ બાળકો અને ૧૦૫ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે ૪,૦૦૦ લોકો ઘાયલ થયા છે.

હમાસે શનિવારે ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલ પર અચાનક હજારો રોકેટ છોડ્યા હતા. આમાં લગભગ ૯૦૦ ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા. જેમાં ૧૧ અમેરિકન નાગરિકો પણ સામેલ છે. આ પછી ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધ શરૂ થવાની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેઓ આ હુમલાનો જવાબ એ રીતે આપશે કે હમાસની પેઢીઓ તેને યાદ રાખશે.

ઈઝરાયેલની ત્રણેય સેના ગાઝા પટ્ટીમાં આતંકી સંગઠન હમાસને નિશાન બનાવી રહી છે. જ્યાં ઇઝરાયેલની વાયુસેના હમાસની જગ્યાઓ પર બોમ્બમારો કરી રહી છે. આ બોમ્બ ધડાકામાં ઘણી મસ્જિદો, શરણાર્થી કેમ્પ, હમાસ કમાન્ડ સેન્ટર અને ઈસ્લામિક જેહાદ કમાન્ડ સેન્ટર પર પણ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં સેંકડો બહુમાળી ઈમારતોનો નાશ કર્યો છે. અહીં પ્રસ્તુત બે વિડીયોમાં પહેલો ઇઝરાયેલના પેલેસ્ટાઇન પર બોમ્બમારાનો છે અને બીજો ઇઝરાયેલ બોર્ડર પોલીસ આતંકવાદીઓને વીણીવીણીને ઠાર કરી રહી છે તેનો છે.