ઇઝરાયેલ,
ન્યાયિક પ્રણાલીમાં સુધારા માટે ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની આગેવાની હેઠળની નવી સરકારની યોજનાનો વિરોધ કરવા માટે શનિવારે રાત્રે તેલ અવીવમાં હજારો ઇઝરાયેલીઓ એકઠા થયા હતા. ઇઝરાયલી મીડિયાએ પોલીસને ટાંકીને કહ્યું કે, લગભગ એક લાખ લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. લોકોનો ભારે વિરોધ હોવા છતાં, નેતન્યાહુએ ન્યાયિક પ્રણાલીમાં પરિવર્તન લાવવાનું વચન આપ્યું છે.
દેશના એટર્ની જનરલે નેતન્યાહુને સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે મુખ્ય કેબિનેટ સહાયકને બરતરફ કરવા કહ્યું ત્યારથી નેતન્યાહુની સરકાર દબાણમાં આવી. નેતન્યાહુના કેબિનેટ સહાયકને કરવેરાના ગુનાઓ માટે દોષિત ઠેરવવાને કારણે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારી હોદ્દો પર રહેવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
ઇઝરાયેલની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, દેશની નવી સરકારના અગ્રણી સભ્ય કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપી શકશે નહીં. આ નિર્ણયથી ઈઝરાયેલમાં કોર્ટની સત્તા અંગેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે નેતન્યાહુની અગાઉની સરકારમાં વારંવાર સેવા આપનાર અલ્ટ્રા-ઓર્થોડોક્સ પાર્ટીના વડા આર્ય ડેરી, ગયા વર્ષે કરવેરા સંબંધિત ગુનાઓ માટે પ્લી ડીલના પગલે દોષિત ઠેરવવામાં આવ્યા પછી અને પ્રોબેશન પર મૂકવામાં આવ્યા પછી મંત્રી તરીકે સેવા આપી શકે નહી. કોર્ટે કહ્યું કે નેતન્યાહુએ હવે નક્કી કરવું પડશે કે તેઓ કોર્ટના નિર્ણયનું પાલન કરશે કે નહીં.
એક પેલેસ્ટિનિયન ઉગ્રવાદીએ શનિવારે ઇઝરાયેલના કબજા હેઠળના વેસ્ટ બેંકમાં ઇઝરાયેલના નાગરિકને ચાકુ મારવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ઈઝરાયલી વ્યક્તિએ પેલેસ્ટિનિયન નાગરિકને ગોળી મારીને તેનું મોત નીપજાવ્યું હતું. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે મૃતકની ઓળખ તારિક માલી તરીકે કરી હતી. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે તેને રામલ્લાહના પશ્ર્ચિમ કાંઠાના શહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી. બાદમાં પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદે એવો દાવો કર્યો હતો કે, માર્યા ગયેલ તારિક માલી પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ જૂથનો સભ્ય હતો. ઈઝરાયેલી સેનાએ કહ્યું કે આ વ્યક્તિ ઈઝરાયેલની ચેકપોઈન્ટ પર આવ્યો અને ઈઝરાયેલના નાગરિકને ચાકુ મારવાનો પ્રયાસ કર્યો. સેનાએ કહ્યું કે તેની પાસે છરી હતી અને ઈઝરાયલી વ્યક્તિએ તેને ગોળી મારી હતી.