ઇઝરાયેલની સૈન્યએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓએ ગાઝા પટ્ટીમાં એક શાળાની અંદર હમાસના લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. હુમલાનો ઉલ્લેખ કરતા હમાસ સાથે જોડાયેલા મીડિયાએ જણાવ્યું કે ઓછામાં ઓછા ૩૨ લોકો માર્યા ગયા, જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા. આ હુમલો ગુરુવારે સવારે નુસીરત વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલા અંગે વધુ માહિતી આપવામાં આવી નથી. સ્થાનિક મીડિયાએ આ હુમલામાં ઓછામાં ઓછા ૩૯ લોકોના મોતના અહેવાલ આપ્યા છે. તે જ સમયે, પેલેસ્ટાઈન ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે આ હુમલામાં ૩૨ લોકોના મોત થયા છે.
ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેના યુદ્ધ વિમાનોએ પેલેસ્ટિનિયનોને સહાય પૂરી પાડતી સંયુક્ત રાષ્ટ્ર એજન્સી દ્વારા સંચાલિત શાળા પર હુમલો કર્યો હતો. હુમલા પછી, ઇઝરાયેલી સૈન્યએ પુરાવા રજૂ કર્યા વિના દાવો કર્યો હતો કે હમાસ અને ઇસ્લામિક જેહાદે તેમની કામગીરી માટે શાળાનો ઉપયોગ કવર તરીકે કર્યો હતો. સેનાએ જણાવ્યું હતું કે હુમલા પહેલા નાગરિકોની સુરક્ષાને યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા, જેમાં હવાઈ દેખરેખ અને વધારાની ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે નુસીરત શરણાર્થી કેમ્પ ગાઝા પટ્ટીની મયમાં સ્થિત છે. આ એક પેલેસ્ટિનિયન શરણાર્થી કેમ્પ છે જે ૧૯૪૮માં આરબ-ઇઝરાયેલ યુદ્ધ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. ઇઝરાયલી સૈન્યએ શાળાની છત પર યુનાઇટેડ નેશન્સ લખેલી શાળાનો ગ્રાફિક પ્રકાશિત કર્યો. ગ્રાફિકમાં શાળાના ઉપરના માળને નિશાન બનાવતા હુમલાની વિગતો પણ હતી.
ગયા વર્ષે ૭ ઓક્ટોબરના રોજ હમાસે ઈઝરાયેલમાં ઘૂસીને હુમલા કર્યા હતા, જેમાં લગભગ ૧,૧૬૦ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના ઈઝરાયેલના નાગરિકોનો સમાવેશ થાય છે. હુમલા બાદ હમાસના આતંકવાદીઓએ ૨૫૦થી વધુ ઈઝરાયેલ અને વિદેશીઓને બંધક બનાવીને ગાઝા લઈ ગયા હતા. જોકે આ સંઘર્ષ વચ્ચે હમાસે કેટલાક બંધકોને મુક્ત કર્યા હતા, પરંતુ ઈઝરાયેલનું માનવું છે કે ૯૯ બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે.