સાતમી ઓક્ટોબર ૨૦૨૩ના દિવસે હમાસના આતંકી હુમલા બાદ છેલ્લા ૮ મહિનાથી જારી ઇઝરાયલની જવાબી કાર્યવાહીમાં હજુ સુધી ૩૭,૩૪૭ પેલેસ્ટેનિયનો માર્યા ગયા છે. જેમાં ૧૫ હજારથી વધારે બાળકો છે. હાલમાં જ જારી કરવામાં આવેલા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલી સેનાના હુમલામાં કેટલાક પરિવારો તો ખતમ થઇ ગયા છે. રિપોર્ટમાં ૬૦ કરતાં વધારે પેલેસ્ટેનિયન પરિવારોની જાણકારી સામે આવી છે. જ્યાં ૨૫થી વધુ લોકોનાં મોત થયાં છે. કેટલાક પરિવારમાં તો ચાર પેઢીઓના લોકોનાં મોત થયાં છે.
મોટા ભાગના લોકોનાં મોત ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે થયાં છે. એ વખતે ઇઝરાયલે સૌથી ભીષણ હુમલા કર્યા હતા. કેટલાક પરિવાર તો એવા રહી ગયા છે જેમાં માત્ર એક જ વ્યક્તિ જીવિત છે, બાકીના માર્યા ગયા છે. આવી જ સ્થિતિ યુસુફ સલેમની છે. જે પોતાના પરિવારમાં માત્ર એકમાત્ર જ જીવિત છે.
અબુ અલ-કુમસન પરિવાર- એપ્રિલ સુધી અબુ અલ કુમસન પરિવારના ૮૦થી વધુ લોકોનાં મોત થયાં છે. આ પરિવારમાંથી છેલ્લે બચી ગયેલા હુસૈન અબુ અલ કુમસન જે હવે લિબિયામાં રહે છે. તેઓએ હવે પરિવારમાં માર્યા ગયેલા લોકોના દસ્તાવેજ કરવા માટેની કામગીરી હાથમાં લીધી છે. હુસૈન અબુનું કહેવું છે કે ચાર પેઢીઓનાં મોત ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા છે. તેમને સાવધાન થવાની પણ તક મળી ન હતી.
અબુ નજસ । ઓક્ટોબરમાં થયેલા હુમલામાં ૫૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં. જેમાં ઓછામાં ઓછી બે સગર્ભા મહિલાઓ પણ સામેલ હતી. ડોઘમુશ કબીલા- એક મસ્જિદ પર કરવામાં આવેલા હુમલામાં મોટા ડોઘમુશ કબીલાના ઓછામાં ઓછા ૪૪ લોકોનાં મોત થયાં છે.
ગાઝામાં ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા લોકોના આંકડા આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવે છે. લંડન સ્થિત સંઘર્ષ સંસ્થા એરવોર્સ દ્વારા પણ ગાઝામાં થઇ રહેલાં મોતના આંકડા જારી કરે છે. જિનિવા સ્થિત યુરોમેડ હ્યુમન રાઇટ્સ મોનિટરના અયક્ષ રામી અબ્દુએ કહ્યું છે કે ગાઝામાં માર્ચ સુધી ૨૫૦૦થી વધુ પરિવારની ઓળખ થઇ છે. જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો મોત થયાં છે. ત્યારબાદ સંસ્થાએ મોતના દસ્તાવેજ કરવાની પ્રક્રિયા બંધ કરી હતી.
એક સ્વતંત્ર શોધ કરનાર ઉમર શબાને કહ્યું કે ઇઝરાયલી હુમલામાં ગાઝાના ચાર લાખ પરિવારો પ્રભાવિત થયા છે. ૨૩ લાખની વસતીવાળા ગાઝાના લાખો લોકો ભાગીને જાન બચાવી ચૂક્યા છે. તેમના પરિવારમાં ૫૫ લોકો માર્યા ગયા છે. કેટલાક લોકોના મૃતદેહો કાટમાળમાં ફસાયેલા છે. યુદ્ધ સમાપ્ત થયા બાદ ગાઝાના લોકોને મહિના સુધી પોતાના લાપતા લોકોને શોધવા માટે લાગી જશે. મૃતદેહ મળ્યા બાદ કાગળની કાર્યવાહી શરૂ કરાશે.