ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 100 દિવસ પૂરાં થઇ ગયા છે. ઓક્ટોબર મહિનામાં શરૂ થયેલું યુદ્ધ હવે નવા વર્ષમાં પ્રવેશી ગયું છે. સરહદે ચાલી રહેલું આ યુદ્ધ હવે શહેરી વિસ્તારોમાં લડાઈ રહ્યું છે. હજુ પણ યુદ્ધનો અંત થવાના કોઈ સંકેત મળી રહ્યા નથી. તેનાથી વિપરિત આવનારા દિવસોમાં આ યુદ્ધ વધુ ઉગ્ર બનશે તેવી ભીતિ સર્જાઈ છે.
ઈઝરાયલે કહી દીધું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય તે આ યુદ્ધ પર ફુલ સ્ટોપ નહીં લગાવે. આ કારણે ગાઝામાં ઈઝરાયલી સૈન્યની કાર્યવાહી સતત ઉગ્ર થતી જઈ રહી છે. બોમ્બ વિસ્ફોટકને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈઝરાયલ તરફથી વધારે પડતી આક્રમકતા એટલા માટે પણ બતાવાઈ રહી છે કેમ કે હમાસે હજુ પણ ઘણાં કેદીઓને મુક્ત કર્યા નથી.
ખરેખર તો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે એક ડીલ થઈ હતી, જેના હેઠળ બંને એકબીજાના બંધકોને છોડવાના હતા. થોડા સમય પહેલા સુધી બંને તરફથી ઘણા લોકોને મુક્ત કરવામાં આવી રહ્યા હતા, પરંતુ હમાસે હજુ પણ ઘણા ઇઝરાયેલી નાગરિકોને મુક્ત કર્યા નથી. ઉલ્લેખનીય છે કે 21 નવેમ્બરના રોજ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ થયો હતો. તે યુદ્ધવિરામ દરમિયાન હમાસે માત્ર 105 ઇઝરાયેલી નાગરિકોને મુક્ત કર્યા હતા, જ્યારે ઇઝરાયેલે 300થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોને મુક્ત કર્યા હતા.
હવે જ્યારે આ યુદ્ધને 100 દિવસ પૂરા થઈ ગયા છે, ત્યારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તરફથી યુદ્ધ સમાપ્ત કરવાના કોઈ સંકેત મળ્યા નથી. તેમના વતી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હમાસનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી આ યુદ્ધ અટકશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ યુદ્ધને કોઈ કોર્ટ રોકી શકે નહીં. હાલમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધનો મામલો ICJમાં ગયો છે.