ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની અદાણીના બિઝનેસને પર અસર થઇ શકે છે!

ગાઝા પટ્ટીમાં હમાસ દ્વારા કરવામાં આવેલા મોટા હુમલા બાદ ઈઝરાયેલે પણ યુદ્ધની જાહેરાત કરી છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે.

આ દરમિયાન ભારત પણ એક્શન મોડમાં આવી ગયું છે. ભારત સરકારે ઈઝરાયેલમાં પોતાના નાગરિકોની સુરક્ષા માટે એડવાઈઝરી જારી કરી છે. તે જ સમયે એર ઈન્ડિયાએ દિલ્હીથી તેલ અવીવની ફ્લાઈટ અને તેલ અવીવથી દિલ્હીની રિટર્ન ફ્લાઈટ પણ રદ કરી દીધી છે. આ યુદ્ધથી ગૌતમ અદાણીના બિઝનેસને પણ અસર થવાની શક્યતા છે.

તાજેતરમાં ગૌતમ અદાણી ગ્રુપે ઈઝરાયેલનું હાઈફા પોર્ટ હસ્તગત કર્યું છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને ઈઝરાયેલના ગેડોટ ગ્રુપે ગયા વર્ષે જુલાઈમાં ઈઝરાયેલમાં હાઈફા બંદરના ખાનગીકરણ માટે ઇં૧.૧૮ બિલિયનની બિડ જીતી હતી. આમાં ભારતીય ભાગીદાર અદાણી પાસે ૭૦ ટકા અને ગેડોટ ગ્રૂપ પાસે ૩૦ ટકા હિસ્સો છે. તમને જણાવી દઈએ કે હાઈફા પોર્ટ શિપિંગ કન્ટેનરની દ્રષ્ટિએ ઈઝરાયેલનું બીજું સૌથી મોટું બંદર અને ટૂરિસ્ટ ક્રૂઝ શિપની દ્રષ્ટિએ સૌથી મોટું બંદર છે.

આ વર્ષે જાન્યુઆરી સુધીમાં ભારત અને ઈઝરાયેલ વચ્ચેનો વેપાર કોવિડ રોગચાળા પહેલા પાંચ અબજ ડોલરથી વધીને લગભગ ૭.૫ અબજ ડોલર થઈ ગયો હતો. બીબીસીના અહેવાલ મુજબ, ૧૯૯૨માં બંને દેશો વચ્ચે વાર્ષિક ૨૦૦ મિલિયન ડોલરનો વેપાર થતો હતો. દ્વિપક્ષીય વેપારમાં હીરાનો વેપાર લગભગ ૫૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. તમને જણાવી દઈએ કે ભારત ઈઝરાયેલથી પણ હથિયારોની આયાત કરે છે.

ભારતીય દૂતાવાસની વેબસાઈટ પર આપવામાં આવેલી વિગતો મુજબ ઈઝરાયેલમાં લગભગ ૧૮,૦૦૦ ભારતીય નાગરિકો છે, જેમાં મુખ્યત્વે ઈઝરાયેલના કામદારો, હીરાના વેપારીઓ, આઈટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓની સંભાળ રાખવા માટે નિયુક્ત કરાયેલા લોકોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલમાં ભારતીય મૂળના લગભગ ૮૫,૦૦૦ યહૂદીઓ પણ છે જેઓ પચાસ અને સાઠના દાયકામાં ભારતમાંથી ઇઝરાયેલ સ્થળાંતરિત થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે. મોદીએ ઈઝરાયેલ પર હમાસના હુમલાની નિંદા કરતા તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. મોદીએ કહ્યું- ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ચોંકી ગયો. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતોના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે ઊભા છીએ.