ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહે પણ ઝંપલાવ્યુ

ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહે પણ ઝંપલાવ્યું છે. આ સ્થિતિ વચ્ચે હવે ઇરાન સમથત સંગઠનના હજારો લડાકુઓ હિઝબુલ્લાહને સમર્થન આપવા જઇ રહ્યા છે. જેને પગલે ઇઝરાયેલ અને લેબનનમાં સક્રિય હિઝબુલ્લાહ વચ્ચે ભારે ઘર્ષણ થવાની શક્યતાઓ છે.ઇઝરાયેલ ગમે ત્યારે લેબનન પર હુમલો કરી શકે છે. જોકે હુમલો થાય તો આકરા પરિણામોની ઇરાને પણ ચેતવણી આપી છે.

ઇઝરાયેલે ચેતવણી આપી છે કે જો હિઝબુલ્લાહને અમારી સરહદેથી હટાવવામાં ના આવ્યું તો અમે લેબનન પર હુમલો કરીશું. જો ઇઝરાયેલ લેબનન પર હુમલા શરૂ કરી દે તો ગાઝા પટ્ટી જેવુ ઘર્ષણ જોવા મળી શકે છે. જ્યારે ઇરાને ચેતવણી આપી છે કે જો ઇઝરાયેલ લેબનન પર હુમલો કરશે તો અમે ચૂપ નહીં રહીએ.

દરમિયાન તાલિબાન પણ લેબનનને સમર્થન આપવા માટે ઇરાન સાથે ચર્ચા કરી રહ્યું હોવાના અહેવાલો છે. છેલ્લા દસકામાં લેબનન, ઇરાક, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ઇરાન સમથત લડાકા સીરિયામાં ૧૩ વર્ષથી ગૃહ યુદ્ધ લડી રહ્યા છે. તેઓ હવે ઇઝરાયેલ સામે યુદ્ધમાં ઝંપલાવી શકે છે. જેને કારણે આ યુદ્ધ હાલ અટકે તેવી સ્થિતિમાં નથી.