ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત કરવાના પ્રયાસો તેજ થયા, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ક્તાર ગયા

દુબઈ, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી યુદ્ધવિરામ માટેના પ્રયાસો તેજ થયા છે.ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેઓ ગાઝામાં હિંસા ફરી શરૂ થવા અંગે ચિંતિત છે. મેક્રોને એમ પણ કહ્યું કે તેઓ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે બીજા યુદ્ધવિરામની દલાલી કરવા ક્તાર જઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ શુક્રવારે સમાપ્ત થઈ ગયો હતો, ત્યારબાદ હિંસાનો સમય ફરી શરૂ થઈ ગયો છે.

સીઓપી ૨૮ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દુબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન, પ્રેસ કોન્ફરન્સમાં, તેમણે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે અન્ય યુદ્ધવિરામ માટે પ્રયાસો શરૂ કરવાની વાત કરી. મેક્રોને કહ્યું કે ’અમે એવી પરિસ્થિતિમાં આવ્યા છીએ જ્યારે ઇઝરાયલની સરકારે ખૂબ જ ચોક્સાઈથી તેના ઉદ્દેશ્યો નક્કી કરવાની જરૂર છે. હમાસને શું સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે? જો આવું થાય, તો તેમાં ૧૦ વર્ષ જેટલો સમય લાગી શકે છે.

મેક્રોને કહ્યું કે, ’ઈઝરાયેલમાં શાંતિ પેલેસ્ટિનિયન લોકોના જીવની કિંમત પર આવી શકે નહીં. આ અંગે નિખાલસ રહેવાની જરૂર છે. ફ્રાંસના રાષ્ટ્રપતિના નિવેદન પર ઈઝરાયેલના પીએમના સલાહકાર માર્ક રેગેવે કહ્યું કે, ’ઈઝરાયેલ પણ નથી ઈચ્છતું કે ગાઝામાં લડાઈના કિસ્સામાં ગોળીબારના કારણે નાગરિકોના મોત થાય. નિર્દોષ નાગરિકોની હત્યા કરનારા હમાસને ઇઝરાયેલ નિશાન બનાવી રહ્યું છે. ઇઝરાયેલ ગાઝામાં નાગરિકોની સુરક્ષા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પ્રથમ યુદ્ધવિરામ ૨૪ નવેમ્બરથી શરૂ થયો હતો અને લગભગ એક અઠવાડિયા સુધી ચાલ્યો હતો. આ દરમિયાન બંને તરફથી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ યુદ્ધવિરામ શુક્રવારે સમાપ્ત થયો, ત્યારબાદ હિંસાનો સમય ફરી શરૂ થયો છે, જેના પર વિશ્ર્વભરના દેશોએ ચિંતા વ્યક્ત કરી છે.