ગાઝા, ઈઝરાયેલના હવાઈ હુમલામાં દમાસ્ક્સમાં ઈરાની એમ્બેસીના કોન્સ્યુલર ડિવિઝનની ઈમારતને નુક્સાન પહોંચ્યું. જાણકારી મુજબ ઈમારતની અંદર હાજર તમામ લોકોના મોત થયા અથવા તે ઘાયલ થયા છે. સિરિયાની સરકારી મીડિયાએ સોમવારે આ જાણકારી આપી. ત્યારે ઈરાનની અરબી ભાષાના સરકારી ટેલિવિઝન અલ આલમ અને અરબી ક્ષેત્રના ટેલિવિઝન સ્ટેશન અલ મદીને કહ્યું કે હુમલામાં ઈરાની સેના સલાહકાર જનરલ અલી રજા જહદીનું મોત થયું. જહદીએ પહેલા ૨૦૧૬ સુધી લેબનાન અને સિરિયામાં ઈરાની કુલીન કુદ્સ ફોર્સનું નેતૃત્વ કર્ય હતું.
ઈરાનના રાજદૂત હુસૈન અકબરીએ ઈઝરાયેલની નિંદા કરી અને કહ્યું કે આ હુમલામાં ઓછામાં ઓછા ૭ લોકોનું મોત થયું છે. તેમને કહ્યું કે બચાવકર્મચારીઓને હજુ પણ લોકો કાટમાળ નીચે ફસાયા હોય તેવી આશંકા છે. રાજદૂતે કહ્યું કે ઈમારતની સુરક્ષામાં તૈનાત બે પોલીસ અધિકારી ઘાયલ થયા છે.
સિરિયાના વિદેશ મંત્રી ફૈસલ મેકદાદે ઈરાનના રાજદૂત અકબરી સાથે મુલાકાત બાદ મીડિયાને વધુ જાણકારી આપ્યા વગર જણાવ્યું કે ઘણા લોકો માર્યા ગયા છે. ઈરાનના સરકારી ટેલિવિઝને પોતાના અહેવાલમાં કહ્યું કે ઈરાની રાજદૂતનું આવાસ કાંસુલર ભવનમાં હતું, જે દુતાવાસની પાસે સ્થિત હતું. સરકારી સમાચાર એજન્સી સનાએ એક સૈન્ય સુત્રના હવાલાથી કહ્યું કે માઝેહના કડક સુરક્ષાવાળા વિસ્તારમાં ઈમારત જ જમીનદોસ્ત થઈ ગઈ છે. રાહતકર્મીઓ કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને શોધી રહ્યા છે. ઈઝરાયેલી સેનાએ તરત જ ટિપ્પણી કરી ન હતી.