ઈઝરાયલના PM નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલો:લેબનનથી હિઝબુલ્લાહે એટેક કર્યો, એર ડિફેન્સને ભેદીને ઘૂસવામાં સફળતા મળી

હિઝબુલ્લાહે શનિવારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલો કર્યો હતો. ટાઈમ્સ ઑફ ઈઝરાયલ અનુસાર, ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે પણ આ વાતની પુષ્ટિ કરી છે. PMOએ કહ્યું હતું કે જ્યારે હુમલો થયો ત્યારે PM નેતન્યાહુ અને તેમનાં પત્ની સારા ઘરે નહોતાં. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ જણાવ્યું હતું કે શનિવારે લેબનનથી ઈઝરાયલ પર ત્રણ ડ્રોન છોડવામાં આવ્યાં હતાં. એમાંથી એક સિઝેરિયા શહેરમાં એક મકાન પર પડ્યું. સિઝેરિયા ઈઝરાયલના પીએમ નેતન્યાહુનું પૈતૃક ઘર છે.IDF અનુસાર, લેબનનથી વધુ બે ડ્રોન છોડવામાં આવ્યાં હતાં, જેને અટકાવવામાં આવ્યાં હતાં. આ કારણે ગિલોટ સૈન્ય મથક પર એલાર્મ વાગવા લાગ્યું. IDFએ કહ્યું હતું કે તેઓ ડ્રોન ઘૂસણખોરીની તપાસ કરી રહ્યા છે.

હિઝબુલ્લાહે ઈઝરાયલ પર હુમલા વધુ તીવ્ર કર્યા

ટાઈમ્સ ઑફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર, શનિવાર સવારથી જ લેબનનથી ઈઝરાયલના તિબેરિયા અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવીને ડ્રોન અને રોકેટ હુમલા થઈ રહ્યા છે. ઘણાં રોકેટ ગેલિસિયાના સમુદ્રમાં પડતાં જોવા મળ્યાં હતાં, જેના કારણે કોઈ ઈજા થઈ નથી. તેલ અવીવ અને શહેરના ઉત્તરીય વિસ્તારોમાં ડ્રોન હુમલાની ચેતવણીના સાયરન્સ પણ સાંભળવા મળ્યા હતા.ઈઝરાયલ હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારના મોત બાદ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખમેનીનું આ પહેલું નિવેદન છે. ટાઈમ્સ ઑફ ઈઝરાયલ અનુસાર, તેમણે કહ્યું હતું કે યાહ્યા સિનવારના મૃત્યુ પછી પણ હમાસનો અંત આવ્યો નથી.

શનિવારે ખામેનીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સિનવારના મૃત્યુ સાથે સંબંધિત ઘણી પોસ્ટ કરવામાં આવી હતી. એમાં લખ્યું છે- સિનવાર તેના શહીદ મિત્રો પાસે ગયો છે. તેની વિદાય આપણા માટે દુઃખદાયક છે, પરંતુ જે રીતે અહેમદ યાસિન, અબ્દેલ અઝીઝ રંતિસી, ઈસ્માઈલ હનીયાહની શહાદત પછી પણ હમાસે પોતાનું કામ ચાલુ રાખ્યું, તે સિનવારના મૃત્યુ પછી પણ અટકશે નહીં. ખામેનીએ કહ્યું હતું કે ઈરાન હંમેશાંની જેમ પેલેસ્ટિનિયન મુજાહિદ્દીન અને લડવૈયાઓ સાથે ઊભું રહેશે.

આ પહેલાં શુક્રવારે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અર્ગાચીએ સિનવારને શહીદ ગણાવ્યા હતા. અરઘાચીએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે સિનવારે પોતાની જમીન માટે લડતા પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. તેને ક્યારેય મૃત્યુનો ડર નહોતો. તેઓ અંત સુધી બહાદુરીથી લડ્યા અને શહીદ થયા. તેણે અંતિમ ક્ષણોમાં પણ બહાદુરી બતાવી.