ઇઝરાયલનો લેબનન પર હવાઈ હુમલો, 21નાં મોત:ખ્રિસ્તી વિસ્તારમાં શરણાર્થીઓની ઇમારતને ટાર્ગેટ કરી; ગાઝામાં 29 લોકો માર્યા ગયા

લેબનનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સોમવારે ઉત્તરી લેબનનમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા હતા અને 8 ઘાયલ થયા હતા. અલજઝીરા અનુસાર આ ઇઝરાયલ હુમલો ત્રિપોલીના ક્રિશ્ચિયન વિસ્તાર એતોઉમાં થયો હતો. ઇઝરાયલ સામાન્ય રીતે ખ્રિસ્તી વિસ્તારો પર હુમલો કરતું નથી.

રિપોર્ટ અનુસાર, દક્ષિણ લેબનનથી ભાગી ગયેલા લોકો એટોઉના એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ત્રિપોલીની ગણતરી લેબનનના સુરક્ષિત વિસ્તારોમાં કરવામાં આવે છે. જો કે, ઇઝરાયલે ગયા અઠવાડિયે પ્રથમ વખત અહીં શરણાર્થી કેમ્પ પર બોમ્બમારો કર્યો હતો.આ હુમલા અંગે ઈઝરાયલની સેનાએ કંઈ કહ્યું નથી. આ પહેલા ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે બેરૂત સહિત દરેક વિસ્તારમાં જ્યાં હિઝબુલ્લાહના અડ્ડા છે તેના પર હુમલો કરવામાં આવશે.

ગાઝામાં પણ ઈઝરાયેલનો હુમલો ચાલુ, 29નાં મોત

ગાઝા પર ઈઝરાયલનો હુમલો મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. અલ જઝીરા અનુસાર, ઇઝરાયલની સેનાએ મંગળવારે સવારે દક્ષિણ ગાઝાની સલાહ-અલ-દિન મસ્જિદ પર બોમ્બમારો કર્યો હતો. જેમાં 29 લોકોનાં મોત થયા હતા.

ઈઝરાયલની સેનાએ કહ્યું કે તેમણે નાગરિકોની વચ્ચે છુપાયેલા આતંકવાદીઓને નિશાન બનાવ્યા છે. જોકે, તેણે કોઈ પુરાવા આપ્યા નહોતા. ઈઝરાયલે ઘણી વખત ભીડવાળા શરણાર્થી કેમ્પ અને ટેન્ટ કેમ્પ પર હુમલો કર્યો. આરોપ છે કે હમાસ આતંકીઓ હુમલા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે.આના થોડા કલાકો પહેલા જ ગાઝા પટ્ટીમાં એક હોસ્પિટલ સંકુલ પર ઈઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 4 લોકો માર્યા ગયા હતા. પેલેસ્ટિનિયન ડોકટરોએ જણાવ્યું હતું કે હુમલાના પરિણામે યુદ્ધના કારણે વિસ્થાપિત થયેલા લોકો માટે બનાવવામાં આવેલ શરણાર્થી શિબિરમાં આગ ફાટી નીકળતાં અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના બ્રિગેડિયર જનરલ ઈસ્માઈલ કાની બે અઠવાડિયા પછી દેખાયા. સીએનએન અનુસાર, ઇઝરાયલના હુમલામાં તેનું મોત થયું હોવાની આશંકા હતી.ઈસ્માઈલ કાની મંગળવારે સવારે ઈરાની ટેલિવિઝન ચેનલો પર દેખાયા. તેઓ અબ્બાસ નિલફોરૌશનના મૃતદેહને લેવા તેહરાન એરપોર્ટ પહોંચ્યા હતા. સપ્ટેમ્બરમાં બેરૂત પર ઇઝરાયલના ડ્રોન હુમલામાં હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ સાથે નીલફોરોશન માર્યા ગયા હતા. નીલફોરૌશન ઈરાનના નેતા ખામેનીનો નસરાલ્લાહને સંદેશ આપવા બેરૂત આવ્યા હતા.

આ દરમિયાન વ્હાઇટ હાઉસે ઈરાનને કહ્યું કે અમેરિકા ઘણા વર્ષોથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામેની તેની ધમકીઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે. જો ઈરાન કોઈપણ અમેરિકન નાગરિક પર હુમલો કરશે તો તેને ‘ગંભીર પરિણામો’ ભોગવવા પડશે.