સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ભાષણના લગભગ એક કલાક પછી ઇઝરાયલે શુક્રવારે બૈરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર મિસાઇલો વરસાવી હતી. હુમલામાં 6 લોકોનાં મોત થયાં છે અને 90થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયલના મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલામાં હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહની પુત્રી ઝૈનબ નસરાલ્લાહ મોતને ભેટી છે.
હિઝબુલ્લાહે ઝૈનબના મૃત્યુની પુષ્ટિ કરી નથી. ઇઝરાયલની ચેનલ 12એ તેના મૃત્યુની જાણ કરી છે. પાકિસ્તાની પત્રકાર અહમદ કુરૈશીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ઇઝરાયલના હુમલામાં કમાન્ડ સેન્ટરના કાટમાળમાંથી હિઝબુલ્લાહ ચીફની પુત્રીનો મૃતદેહ મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે લેબનનના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
આ દરમિયાન રોઇટર્સે લેબનનના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ઇઝરાયલના હુમલા બાદ હિઝબુલ્લાહના ચીફ નસરલ્લાહનો સંપર્ક કરવામાં આવ્યો નથી. હુમલાના કેટલાક કલાકો પછી પણ હિઝબુલ્લાહે નસરલ્લાહ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.
ઇઝરાયલના એક અધિકારીએ ટાઈમ્સ ઓફ ઈઝરાયલને જણાવ્યું હતું કે જ્યાં હુમલો થયો હતો ત્યાં હિઝબુલ્લાહના ટોચના અધિકારીઓ બેઠકો યોજતા હતા. હુમલા સમયે હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહ ત્યાં હાજર હતા કે કેમ એ જાણી શકાયું નથી, જોકે હિઝબુલ્લાહની નજીકનાં સૂત્રોએ અગાઉ રોઇટર્સને જણાવ્યું હતું કે નસરલ્લાહ જીવિત છે. આ પહેલાં ઈરાનની તસનીમ ન્યૂઝ એજન્સીએ પણ કહ્યું હતું કે તેઓ સુરક્ષિત છે. આ દરમિયાન ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે તેમના હુમલામાં હિઝબુલ્લાહના મિસાઇલ યુનિટ કમાન્ડર મોહમ્મદ અલી ઇસ્માઇલ અને ડેપ્યુટી અહેમદ ઇસ્માઇલ માર્યા ગયા છે.
રાજધાની બૈરૂત સહિત ઘણા વિસ્તારોમાં હજુ પણ ઇઝરાયલ આર્મીનો મિસાઇલ હુમલો ચાલુ છે. ઇઝરાયલે બૈરૂતના દહિયાહ શહેરમાં રહેતા લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા જણાવ્યું છે. ઇઝરાયલની સેનાનું કહેવું છે કે હિઝબુલ્લાહ આ જગ્યાઓનો ઉપયોગ ઇઝરાયલ પર હુમલો કરવા માટે કરી રહ્યું છે.
નેતન્યાહુ અમેરિકાનો પ્રવાસ અધૂરો છોડીને પરત ફરશે બૈરૂતમાં ઇઝરાયલ હુમલા બાદ પીએમ નેતન્યાહુએ તેમની યુએસ મુલાકાત ટૂંકાવી દીધી છે. તેમના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન ટૂંક સમયમાં ઇઝરાયલ પરત ફરી રહ્યા છે.
ઇઝરાયલે રાજધાની બેૈરૂતના દહિયાહ શહેરમાં રહેતા લેબનન નાગરિકોને તાત્કાલિક સ્થળ ખાલી કરવા જણાવ્યું છે. ઇઝરાયલની સેનાનું કહેવું છે કે હિઝબુલ્લાહ આ સ્થળોનો ઉપયોગ ઇઝરાયલ પર હુમલો કરવા માટે કરી રહ્યું છે.
ખામેનીએ ઈરાનમાં ઇમર્જન્સી બેઠક બોલાવી ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, બૈરૂત પર ઇઝરાયલના હુમલા બાદ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીએ શુક્રવારે રાત્રે પોતાના ઘરે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની ઈમર્જન્સી બેઠક બોલાવી હતી. બેઠકમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝકિયાને ઇઝરાયલના હુમલાની નિંદા કરી અને તેને વોર ક્રાઈમ ગણાવ્યો હતો.
ખામેનીના સલાહકાર અલી લારિજાનીએ કહ્યું હતું કે ઈઝરાયલ રેડ લાઈન પાર કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે લોકોને મારવાથી ઉકેલ આવશે નહીં. અન્ય તેમની જગ્યા લેશે. ઇઝરાયલના આતંકનો સામનો કરવા લોકો વધુ મજબૂતીથી એક થશે.
નેતન્યાહુએ UNમાં કહ્યું – ઈરાન-ઈરાક મધ્ય પૂર્વ માટે શાપ છે ઇઝરાયલ અને લેબનન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે શુક્રવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુએન જનરલ એસેમ્બ્લીને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ આ વખતે યુએનજીએમાં ભાષણ આપવા માગતા ન હતા, પરંતુ ઇઝરાયલ વિશે ફેલાવવામાં આવી રહેલાં જૂઠાણાંએ તેમને તેમના દેશનો પક્ષ રજૂ કરવા મજબૂર કર્યા.
નેતન્યાહુનું ભાષણ શરૂ થતાંની સાથે જ ઘણા દેશોના પ્રતિનિધિઓ ઊભા થઈ ગયા અને યુએન એસેમ્બ્લીમાંથી બહાર નીકળી ગયા. નેતન્યાહુએ કહ્યું, “છેલ્લી વખતે જ્યારે મેં નકશો બતાવ્યો હતો, ત્યારે ઇઝરાયલ અને તેના સાથી આરબ દેશો એશિયાને યુરોપ, હિન્દ મહાસાગરને ભૂમધ્ય સમુદ્રથી જોડતા હતા.”