ઇઝરાયલ દરીયાઈ માર્ગેથી લેબનન પર હુમલો કરશે:સમુદ્ર કાંઠાના 60 કિમીના વિસ્તારમાં ન જવાની ચેતવણી; એક કલાકમાં 120 મિસાઈલ વરસાવી

ઇઝરાયલની સેનાએ કહ્યું કે તે લેબનનના દક્ષિણી તટીય વિસ્તારમાં ટૂંક સમયમાં ઓપરેશન શરૂ કરશે. સેનાએ લેબનીઝ લોકોને બીચથી દૂર રહેવાની સલાહ આપી છે. સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર માછીમારોને ભૂમધ્ય સમુદ્રના 60 કિલોમીટરની અંદર ન જવાની ચેતવણી આપી છે.ઇઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે તેઓએ સોમવારે એક કલાકની અંદર દક્ષિણ લેબેનનમાં 120થી વધુ હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. લેબનનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા 10 ફાયરફાઈટર્સના મોત થયા છે. આ સિવાય હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે.

ઇઝરાયલની સેનાનું દક્ષિણ લેબનનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ છે. આ દરમિયાન સોમવારે ઇઝરાયલની સેનાના 2 જવાનોના મોત થયા હતા. લેબનનમાં હુલ ઇઝરાયલની સેનાના કુલ 11 જવાનોના મોત થયા છે.બીજી તરફ ઇઝરાયલની સેનાએ કહ્યું કે હિઝબુલ્લાહે સોમવારે લેબનનમાંથી 190 રોકેટ ઝીંક્યા હતા. આમાં ઓછામાં ઓછા 9 લોકો ઘાયલ થયા છે. આ સિવાય પાયાની સેવાઓને નુકસાન થયું છે. ઇઝરાયલના સૈન્યએ કહ્યું કે હાઈવે અને અનેક મકાનો પર સીધો હુમલો કરવામાં આવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાએ લેબનનમાં સીઝફાયરની માંગ કરી 

લેબનનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા દળે (UNIFIL) તાત્કાલિક સીઝફાયરની માંગ કરી છે. UNIFIL કહ્યું કે દરરોજ ઘણા લોકો મરી રહ્યા છે. લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે. વિસ્તારમાં ફરીથી શાંતિ સ્થાવાનો એકમાત્ર રસ્તો સંવાદ છે. તેને શરૂ કરવાનો સમય હવે છે.UNIFIL દક્ષિણ લેબનનમાં 1978થી તહેનાત છે. તેનું કામ લેબનન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષને રોકવાનો પ્રયાસ કરવાનું છે.

ચીન લેબનનમાં મેડિકલ સેવાઓ આપવાનું શરૂ કરશે

ચીનની ફોરેન મેડિકલ એઇડ એજન્સીએ મંગળવારે કહ્યું કે ચીન ટૂંક સમયમાં લેબનનને ઇમરજન્સી મેડિકલ સપ્લાય આપવાનું શરૂ કરશે. એજન્સીએ કહ્યું કે લેબનનમાં ઇઝરાયલ-હિઝબુલ્લાહ સંઘર્ષ વધવાથી ઘણા લોકો અસરગ્રસ્ત થયા છે. લેબનનની સરકારના કહેવા પર ચીન મેડિકલ સેવાઓ આપવા જઈ રહ્યું છે.

ઇઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડર માર્યો ગયો

ઇઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે તેણે સોમવારે બૈરૂતમાં થયેલા હુમલામાં હિઝબુલ્લાના હેડક્વાર્ટરના કમાન્ડર સુહેલ હુસૈન હુસૈની માર્યો ગયો હતો. હુસૈની ઈરાનથી શસ્ત્રો લાવવા અને તેને હિઝબુલ્લાહના આતંકીઓ સુધી પહોંચાડવા માટે જવાબદારી નિભાવતો હતો. હિઝબુલ્લાહે હજુ સુધી હુસૈની વિશે કોઈ માહિતી આપી નથી.