ઈતિહાસમાં પહેલીવાર સાઉદીની મહિલા સ્પર્ધક ’મિસ યુનિવર્સ’ માં ભાગ લેશે

મુંબઇ, ઇતિહાસમાં પહેલીવાર એવું થશે જ્યારે કોઇ એક ઈસ્લામિક દેશ મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લેશે. ખરેખર અમે વાત કરી રહ્યા છીએ સાઉદી અરબની જે પહેલીવાર તેના દેશની મહિલા ઉમેદવારને મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લેવા માટે મંચ પર મોકલશે.

આ મામલે માહિતી ખુદ રુમી અલકાહતાનીએ આપી છે જે મિસ યુનિવર્સ ૨૦૨૪ની સ્પર્ધામાં સાઉદી અરબનું પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય છે કે ઈતિહાસમાં આવું પહેલીવાર થશે જ્યારે મિસ યુનિવર્સના મંચ પર એક ઈસ્લામિક દેશ સાઉદી અરબનો ઝંડો જોવા મળશે. રુમી અલકાહતાની ૨૭ વર્ષીય મોડલ છે જે સાઉદી અરબમાં રહી ચૂકી છે. આટલું જ નહીં મિસ અરબ વર્લ્ડ પીસ ૨૦૨૪ અને મિસ વૂમન (સાઉદી અરબ) પણ રુમી અલકાહાતાની જીતી ચૂકી છે.

આ મામલે સોશિયલ મીડિયા પર રુમી અલકાહતાનીએ કહ્યું કે મિસ યુનિવર્સ ૨૦૨૪માં ભાગ લેવાથી હું ખુદને સન્માનિત મહેસૂસ કરી રહી છું. આટલું જ નહીં પણ તેમણે પોતાના અનેક ફોટોસ પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા જેમાં તે અતિ સુંદર લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે મેક્સિકોમાં મિસ યુનિવર્સ ૨૦૨૪નું આયોજન થશે. હાલ નિકારાગુઆની શેન્નિસ પલાસિયોસ મિસ યુનિવર્સ છે.