
આજે દુનિયા મેલોનીને જે રીતે જોઈ રહી છે. તે રાતોરાત આ બિંદુ સુધી પહોંચી નથી. તેમણે ૨૦૨૨ માં ઇટાલિયન વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, ઘણા લોકોએ તેમના બ્રધર્સ ઑફ ઇટાલી પાર્ટીના નિયો-ફાસીવાદી ઇતિહાસ વિશે ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ મેલોનીએ પોતાની વિશ્વની છબી વધારવામાં કોઈ ક્સર છોડી નથી. તેણે માત્ર તેના વિરોધીઓ અને શંકા કરનારાઓને ચૂપ કર્યા જ નહીં પરંતુ શક્તિશાળી દેશ અમેરિકાના જો બિડેન અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન જેવા વૈશ્વિક નેતાઓ સાથેના સંબંધોને ગાઢ અને મજબૂત બનાવ્યા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૭ સમિટની બાજુમાં અપુલિયામાં બ્રિટિશ વડા પ્રધાન ૠષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ભારત અને બ્રિટન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીમાં જી૭ શિખર સંમેલન દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે ભારત યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા આતુર છે. તેમણે વધુમાં કહ્યું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથેની મુલાકાત ખૂબ જ અર્થપૂર્ણ રહી.
જી ૭ સમિટમાં ભાગ લેવા ઈટાલી પહોંચેલા વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. બંને રાજ્યોના વડાઓએ સંરક્ષણ એઆઇ (કૃત્રિમ બુદ્ધિમત્તા), જટિલ ટેકનોલોજી અને અવકાશ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ આગામી પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ની યજમાની કરવા બદલ રાષ્ટ્રપતિ મેક્રોનને અભિનંદન પાઠવ્યા હતા. ઇટાલીમાં જી ૭ સમિટના આઉટરીચ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ તેમને ગળે લગાવ્યા અને મળ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટાલીના પીએમ જ્યોજયા મેલોની થોડા સમય પહેલા અપુલિયામાં મળ્યા હતા. આ બેઠક ખૂબ જ ખાસ હતી. આ વખતે પીએમ મોદીએ ભારતની સાંસ્કૃતિક પરંપરા મુજબ જ્યોજયા મેલોનીનું હાથ જોડીને સ્વાગત કર્યું. આ પછી ઈટાલીના પીએમે પણ આવી જ રીતે વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું હતું. રેકોર્ડ ત્રીજી વખત પીએમ બન્યા બાદ મેલોની અને મોદીની આ પહેલી મુલાકાત છે. બંને નેતાઓ જી૭ની સાથે સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરવાના છે.
ભારત અને ઈટાલી બંને લોકશાહી દેશો છે અને ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. બંને દેશો કાયદાના શાસન, માનવાધિકારોના આદર અને સર્વસમાવેશક વૃદ્ધિ દ્વારા આથક વિકાસના લક્ષ્યોને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. બંને દેશોએ ગયા વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના ૭૫ વર્ષની ઉજવણી પણ કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર ૨૦૨૧માં જી-૨૦ સમિટ માટે ઈટાલીની મુલાકાત લીધી હતી. ઈટાલીના પીએમ જ્યોજયા મેલોની માર્ચ ૨૦૨૩માં ભારતની સરકારી મુલાકાતે આવ્યા હતા. મેલોની જી-૨૦ સમિટ માટે ભારત પણ આવી હતી.
ભારત અને ઈટાલી સંરક્ષણ, ઉર્જા અને વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિતના અનેક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરે છે. પીએમ મોદીની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પણ ’વ્યૂહાત્મક ભાગીદારી’ના સ્તરે ઉન્નત થઈ શકે છે. અગાઉ, ૨૦૨૩માં G20 સંબંધિત બેઠકો માટે ઘણા ઇટાલિયન મંત્રીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, નાણા, કૃષિ, શિક્ષણ અને સંસ્કૃતિ જેવા વિષયો પર વાતચીત થઈ હતી. ઇટાલિયન સેનેટ અને ચેમ્બર ઓફ ડેપ્યુટીઝના સ્પીકર અને પ્રેસિડેન્ટ પણ ગયા વર્ષે જી૨૦ મીટિંગમાં સામેલ થયા હતા.