સાદનિયા, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ડીપફેક વીડિયોના મામલામાં વળતરની માંગ કરી છે. વળતરની આ રકમ ૧ લાખ યુરો એટલે કે ૯૦ લાખ રૂપિયા હશે. આ કેસ સાદનિયાની સાસારી કોર્ટમાં ટ્રાયલ હેઠળ છે. વડાપ્રધાન મેલોનીની ૨ જુલાઈ, ૨૦૨૪ના રોજ કોર્ટમાં નિવેદન લેવામાં આવશે.
વર્ષ ૨૦૨૨માં જ્યોર્જિયા મેલોનીનો વીડિયો અમેરિકન એડલ્ટ કન્ટેન્ટ વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તે સમયે જ્યોર્જિયા મેલોની ઈટાલીના વડાપ્રધાન ન હતા. આરોપીએ એડલ્ટ ફિલ્મ સ્ટારના ચહેરા પર જ્યોર્જિયા નો ચહેરો સુપરઇમ્પોઝ કર્યો હતો. એટલે કે મેલોનીનો ડીપફેક વીડિયો ફેસ મોફગ ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, જે મોબાઈલનો ઉપયોગ એડલ્ટ વીડિયો અપલોડ કરવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસે તે મોબાઈલને ટ્રેસ કરીને ૪૦ વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. આશ્ર્ચર્યની વાત એ હતી કે તેમના ૭૩ વર્ષના પિતા પણ આ કામમાં જોડાયેલા હતા. બંનેએ સાથે મળીને આટફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને નકલી વીડિયો બનાવ્યો હતો.
મેલોનીની ટીમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, ૨૦૨૨માં અપલોડ કરાયેલા આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. ઈટાલીના કાયદા અનુસાર આ એક ગુનો છે જેના માટે ૬ મહિનાથી લઈને ૩ વર્ષની જેલની સજા થઈ શકે છે. જો કે, જ્યારે આરોપીઓ પકડાઈ ગયા, ત્યારે ટ્રાયલ શરૂ થઈ. જ્યોજયા મેલોની વતી બંને આરોપીઓ સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે નુક્સાની તરીકે ૧ લાખ યુરો એટલે કે લગભગ ૯૦ લાખ રૂપિયાના વળતરની માંગણી કરવામાં આવી છે.
મેલોનીના વકીલ મારિયા જિયુલિયા મેરોન્ગીયુએ કહ્યું કે વડાપ્રધાન જે વળતરની માંગ કરી રહ્યા છે તે પ્રતીકાત્મક છે. આ વળતરનો હેતુ આવા અપરાધોનો ભોગ બનેલી મહિલાઓને સંદેશ આપવાનો છે કે તેઓ પોતાનો અવાજ ઉઠાવવામાં ગભરાશે નહીં. જો વળતર આપવામાં આવે છે, તો તે હિંસાનો ભોગ બનેલી મહિલાઓને મદદ કરવા માટે રકમ દાન કરશે.
આજના ડીજીટલ યુગમાં એવા ઘણા લોકો છે જેઓ ઇન્ટરનેટ દ્વારા ખોટા સમાચાર અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે. આવા જ નકલી વીડિયો પણ લોકોને મોકલવામાં આવે છે. આ વીડિયોને ડીપફેક્સ કહેવામાં આવે છે. આમાં અસલી અને નકલી ઓળખવી ખૂબ મુશ્કેલ છે. કારણ કે આ વીડિયો બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આને મોર્ફિંગનું અદ્યતન સ્વરૂપ ગણી શકાય. સરળ ભાષામાં,એઆઇ ટેક્નોલોજી દ્વારા, ફોટોગ્રાફ, ઓડિયો અથવા વિડિયોની નકલી નકલ બનાવવામાં આવે છે, જે એકદમ અસલી લાગે છે.