ઇસ્કોન બ્રિજ અકસ્માતનો કેસ અમારા માટે નોર્મલ નથી, મોસ્ટ સિરીયસ : હર્ષ સંઘવી

નવીદિલ્હી: 20 જુલાઈનો દિવસ અમદાવાદ માટે એક મોટો કાળો ધબ્બા સમાન બની ગયો છે કારણ કે આ દિવસે શહેરમાં 9 આશાસ્પદ યુવકોના મોત થયા છે. અને તે પણ એક નબીરાના કારણે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બુધવારે રાત્રે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં નવ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. ત્યારે ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.

અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોક સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ઇસ્કોન બ્રિજની ઘટના દુઃખદ છે. આ ઘટનાના આરોપીની ધરપકડ કરી લેવામાં આવા છે. મેં અગાઉ કીધું હતું તેમ આ ઘટનામાં માત્ર સાત દિવસની અંદર ચાર્જશીટ તૈયાર કરી દેવામાં આવશે. ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસ ઝડપથી કેવી રીતે ચાલે તે માટેની કામગીરી હાલ ચાલું છે. તમામ પ્રકારના રિકન્સ્ટ્રક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. FSL અને RTOના મહત્વના રિપોર્ટ્સ આવી ગયા છે.  

તેમણે વધુમાં જણાવ્યું કે, હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે આ કેસ અમારા માટે નોર્મલ કેસ નથી, આ કેસ અમારા માટે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ મોસ્ટ સિરિયસ કેસ છે. આ ઘટનામાં કડકથી કડક કાર્યવાહી કરાશે. પોલીસના ઘરમાં પણ 3 દિકરાઓ ખોયા છે, એટલું જ નહીં, રાજ્યના ઘણા પરિવારે પોતાના દિકરા ગુમાવ્યા છે. આ બાબતે આરોપીઓને કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. રાજ્ય સરકાર આ ઘટનાને લઈ ખૂબ જ ગંભીર છે.  

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ કેસની CP, JCP, 3 DCP, અને 5 PI તપાસ કરશે. આજ સાંજ પહેલા જ RTOનો રિપોર્ટ મળી જશે, આવતીકાલે સાંજ પહેલા પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવી જશે. આવતીકાલ રાત પહેલા FSLનો રિપોર્ટ આવી જશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ બંને બાપ-દીકરાને કાયદાનું ભાન પડે તે પ્રકારની કામગીરી અમદાવાદ પોલીસ દ્વારા કરવમાં આવશે.