આઇએસઆઇએસ ચીફ અબુ હુસૈન અલ-કુરેશી માર્યો ગયો, તુર્કીએ સીરિયામાં ઘૂસીને આતંકીને માર્યો

તુર્કીય,તુર્કીયેની ગુપ્તચર સંસ્થાએ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના શંકાસ્પદ ચીફને મારી નાખ્યો છે. તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને જણાવ્યું કે સીરિયામાં ઈસ્લામિક સ્ટેટનો ચીફ માર્યો ગયો છે. આતંકવાદી અબુ અલ-હુસૈન અલ-હુસૈની અલ-કુરેશી જે અબુ હુસૈન અલ-કુરેશી તરીકે જાણીતો હતો. તેણે ફેબ્રુઆરીમાં ઈસ્લામિક સ્ટેટની કમાન સંભાળી હતી. એર્દોગને ટીઆરટી તુર્કને જણાવ્યું કે, શનિવારે રાત્રે તુર્કીયેની એમઆઈટી ગુપ્તચર એજન્સી દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં ઈસ્લામિક સ્ટેટનો આતંકવાદી માર્યો ગયો.

ઇસ્લામિક સ્ટેટે હજુ સુધી તેના વડાની હત્યા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. તુર્કીયેના રાષ્ટ્રપતિએ કહ્યું કે એમઆઇટી ગુપ્તચર એજન્સી અલ-કુરેશી પર લાંબા સમયથી નજર રાખી રહી હતી. તેમણે કહ્યું કે અમે કોઈપણ ભેદભાવ વિના આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી ચાલુ રાખવા જઈ રહ્યા છીએ. તુકયે લાંબા સમયથી સીરિયાની અંદર ઘૂસીને ઈસ્લામિક સ્ટેટ સામે લડાઈ કરી રહી છે. તેમનો ઈરાદો તેમના દેશની સરહદ અને સીરિયા વચ્ચે એક બફર ઝોન બનાવવાનો છે, જ્યાં સીરિયન શરણાર્થીઓને સ્થાયી કરી શકાય.

સીરિયન સૂત્રોને ટાંકીને જણાવાય છે કે આ ઓપરેશન સીરિયાના ઉત્તરી નગર જંદારિશમાં કરવામાં આવ્યું હતું. આ વિસ્તાર તુર્કીયેની સરહદની ખૂબ નજીક છે. એવી આશંકા છે કે આતંકવાદીને ઘેરી લેવામાં આવ્યો છે અને માર્યો ગયો છે. જોકે, આતંકીના મોત સિવાય સત્તાવાર રીતે અન્ય કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ પહેલા ફેબ્રુઆરીમાં ઈસ્લામિક સ્ટેટના વડા અબુ ઈબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરેશીએ પોતાના પરિવાર સાથે પોતાની જાતને ઉડાવી દીધી હતી. યુએસ સ્પેશિયલ ફોર્સ સાથે લાંબા સમય સુધી એન્કાઉન્ટર કર્યા પછી, જ્યારે આતંકવાદી તેના પરિવાર સાથે તેના ઠેકાણા પર ઘેરાયેલો હતો, ત્યારે તેણે પોતાને ઉડાવીને મારી નાખ્યો.